સુરતમાં દારૂ ઢીંચીને નબીરાએ સર્જ્યો અકસ્માત, 6 લોકોને ઉડાવ્યા

સુરતમાં બન્યો અમદાવાદના ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, નશામાં ધૂત નબીરાએ બાઈક સવારોને હવામાં ફંગોળ્યા

by Dhwani Modi
Surat accident, News Inside

Sural| સુરતના કાપોદ્રામાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવી જ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. બેફામ બનેલા નબીરાએ સ્વીફ્ટ કારથી 6 બાઈક ચાલકને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. કારની એટલી વધારે સ્પીડ હતી કે અકસ્માત બાદ બાઈક 20 ફુટ સુધી રસ્તા પર ઢસડાયું હતું. ત્યારે આ રફ્તારના કહેરની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં ઉત્તરાણનો રહેવાસી સાજન પટેલ નશાની હાલતમાં સ્વીફ્ટ કાર લઈને પૂરપાટ ઝડપે જઈ રહ્યો છે. નિયમોને નેવે મૂકી BRTS કોરીડોરમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે કાપોદ્રામાં કોરીડોર બહાર થયેલ અકસ્માતને જોવા માટે બાઈક ચાલકો ઊભા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલા સાજન પટેલે સ્વીફ્ટ કારથી 6 બાઈકોને એકસાથે ટક્કર મારી હતી. ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મંગલદીપ, પી.પી.મણિયા, પી.પી. સવાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે અકસ્માત બાદ કાર ચાલકને લોકોએ ઘટના સ્થળે જ ઝડપી લીધો અને ખુબ માર માર્યો હતો. યાદમાં તેને પોલીસના હવાલે કર્યો હતો.

નોંધનીય છે કે, સાજન પટેલ મૂળ સુરતનો જ છે અને કારની લે-વેચનો ધંધો કરે છે. સાજન પટેલે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 6 લોકોને અડફેટે લીધા હતા. આ તમામ ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાર રસ્તા પર બાઇકસવાર લોકો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થવા છતાં કાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે તે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈકચાલકોને ઢસડયાં હતા. અકસ્માતને કારણે કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર જઈને કાર રોકાઈ હતી.

સાજને કહ્યું, હા મેં દારુ પીધો હતો
આરોપી સાજન પટેલે તથ્યની જેમ જ ચાલુ ગાડીએ રીલ બનાવી છે, તે વાયરલ થઈ છે. પોતાનો બચાવ કરતા સાજન પટેલે દારૂ ન પીધો હોવાનું કહ્યુ હતું. તેણે કહ્યું કે, “હું ઘરે જતો હતો, અચાનક જ એક ટુવ્હીલર આવી ગયુ, તેમાં અથડાઈ ગયો. મેં દારૂ નહોતો પીધો. વરસાદ પડતો ન હતો, એટલે ન દેખાયુ. મારી ગાડીમાં કોઈ દારૂની બોટલ ન હતી. ત્રણ-ચાર વાગ્યે દારૂ પીધો હતો. મેં બપોરના સમયે દારૂ પીધો હતો. મારા છોકરાની બર્થડે પાર્ટીમાં ગયો હતો. સાત-આઠ વાગ્યાનો સમય હતો, તે સમયે ટ્રાફિક હતો, રસ્તો બ્લોક હતો એટલે બીઆરટીએસ રુટમાં જતો રહ્યો હતો. મેં બપોરે દારૂ પીધો હતો. મારા છોકરાની બર્થડે પાર્ટીમાં દારૂ પીધો હતો. દારૂ ક્યાંથી લાવ્યો તે વિશે તેણે કહ્યું કે, દારુ મારી પાસે પહેલાથી હતો. હું દમણ ગયો હતો. ગાડી મારી છે.”

કોઈ મારી ગાડીને ઓવરટેક કરે તો હું એવરજ પણ નથી જોતો
અગાઉ પણ સાજન પટેલે નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં સાજન પટેલે જોખમી સ્ટંટ કર્યા છે. દારૂની બોટલ સાથે ડ્રાઈવિંગ કરતો સાજન પટેલનો વીડિયો વાયરલ થયો છે. બેફામ ડ્રાઈવિંગ કર્યાની સાજન પટેલની રીલ્સ સામે આવી છે. સાજન પટેલે જે રીલ બનાવી છે, તેમાં ડાયલોગ મારી રહ્યો છે ‘કોઈ મારી ગાડીને ઓવરટેક કરે તો હું એવરજ પણ નથી જોતો, અને કોઈ મારી ગાડીને ઓવરટેક કરવાનું વિચારે તે મજાક સમાન છે.’

તો બીજી બાજુ, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરનાર તથ્ય પટેલની ટ્રાન્સફર વોરંટથી આજે ધરપકડ થઈ શકે છે. આરોપી તથ્ય પટેલે થાર ગાડીથી સિંધુભવન રોડ પર થોડા દિવસ પહેલા અકસ્માત સર્જ્યો હતો. તથ્યએ થાર ગાડી ઓવરસ્પીડમાં ચલાવી મૌવ રેસ્ટોરન્ટના દીવાલ તોડી નાખી હતી. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. આરોપી તથ્ય પટેલની ટ્રાન્સફર વોરંટની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થશે. અરજી પર કોર્ટ તથ્ય પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ અથવા તેની જેલમાં પૂછપરછની મંજૂરી આપશે.

Related Posts