Surat| રાજ્યમાં ચોમાસાની સિઝનની સાથે રોગાચાળો પણ ફાટી નીકળ્યો છે. આ સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ખાસ કરીને સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. સુરતમાં વકરેલા રોગચાળાએ વધુ એક જિંદગીનો ભોગ લીધો છે. કાપોદ્રામાં તાવમાં સપડાયેલી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે.
કોપોદ્રાના દશરથ નગરમાં રહેતા ધનીબેન બોરીચાને 7 જુલાઈના રોજ તાવ આવતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં પણ તેમને તાવમાં રાહત ન થતા તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ ધનીબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ભાવનગર પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં અત્યાર સુધી રોગચાળાના કારણે 16 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.
હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે
સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે અને તેની સામે મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટીમો પણ બનાવવામાં આવી છે અને અલગ-અલગ સ્થળ પર જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં તપાસ હાથ ધરી મચ્છરના બ્રિડિંગનો નાશ કરવામાં આવી રહ્યો છે.