Vadodara| ગુજરાતના વડોદરામાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આર્થિક તંગીને કારણે એક નાનકડો પરિવાર વિખેરાયો છે. વડોદરાના રાવપુરાના કાછિયાપોળ બાબાજીપુરા વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે. સિક્યુરિટીગાર્ડ તરીકે કામ કરતા પિતાએ પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી છે. આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે. તો પિતા મુકેશભાઈ પંચાલ હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
એક સ્થાનિકે જણાવ્યું કે, આ પરિવારમાં ત્રણ જણા હતા, પિતા, પુત્ર અને માતા. માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. તેઓની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી. તેઓ અહી પાંચ વર્ષથી ભાડેથી રહેતા હતા. અઠવાડિયાથી તેમની સાથે વાત થઈ ન હતી. મુકેશભાઈ પંચાલને પત્ની નયનાબેન પંચાલ અને 25 વર્ષીય દીકરો મિતુલ પંચાલ છે. આ પરિવાર બહુ બહાર નીકળતો ન હતો.
આ ઘટના એટલી અરેરાટીભરી છે કે, દરવાજો ખોલીને જોયો તો પુત્રએ ગળે ફાંસો ખાધો હતો. માતાને ઝેર આપ્યું હતું, તો પિતાએ રેઝર વડે પોતાના ગળાના ભાગે બ્લેડ મારી હતી. હાલમાં DCP અને ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
નોંધનીય છે કે, હજી થોડા સમય પહેલા જ વડોદરામાં એક માતાએ પોતાની બંને દીકરીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થિક તંગીથી કંટાળેલી મહિલાએ પહેલા પોતાની બંને દીકરીઓને મારી હતી. તેના બાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતાનો જીવ બચી ગયો હતો.