Heart Attack| કોરોનાકાળ બાદ યુવાવસ્થામાં હાર્ટ અટેકથી થતા મુત્યુના કિસ્સા વધી રહ્યા છે. હિંમતનગરની સબરજિસ્ટાર ઓફિસમાં એક યુવક અચાનક ઢળી પડ્યો અને સારવાર દરમિયાન આ યુવકને હાર્ટ અટેક આવ્યો હોવાની પુષ્ટી થઇ છે.
કોરોનાકાળ બાદ અચાનક જ યુવાવસ્થામાં હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. આજે હિંમતનગરની સબરજિસ્ટાર ઓફિસમાં યુવકનું હાર્ટ અટેકને કારણે મૃત્યુ નીપજ્યું છે.
હિંમતનગરના બહુમાળી ભવનમાં સબ રજીસ્ટાર કચેરીમાં પરીક્ષિત પટેલ નામનો યુવક અચાનક ઢળી પડ્યો હતો.
35 વર્ષીય પરીક્ષિત પટેલે પોતાના નવા મકાનના દસ્તાવેજ માટે સબ રજિસ્ટાર ઓફિસ પહોંચ્યો હતો. આ સમયે દસ્તાવેજના કામ કરતી વખતે તે કચેરીમાં અચાનક જ ઢળી પડ્યો હતો. આ યુવકે હિંમતનગરના કાંકણોલ રોડ પર નીલકંઠ સોસાયટીમાં નવું મકાન ખરીદ્યું હતું. યુવક તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં નોકરી કરતો હતો. બહુમાળી ભવનમાંથી 108 એમ્બ્યુલન્સને કોલ કરાયો હતો. પરંતુ ટ્રાફિકને કારણે 108 સમયસર ન પહોંચતા રિક્ષામાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન યુવકનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું. આજે યુવકના વતનમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે.
આ પહેલા પણ રાજકોટ, સુરત સહિત અનેક વિસ્તારમાંથી અચાનક હાર્ટ અટેકથી મોતના કિસ્સા બની ચૂક્યાં છે. રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા યુવકનું મોત થયું હતું. તો સુરતમાં યુવાવસ્થામાં હાર્ટ અટેકથી મોતના કેટલાક કિસ્સા બની ચૂક્યાં છે. ખાસ કરીને કોરોના બાદ યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહયાં છે. કોરોના બાદ વધતા જતાં હાર્ટ એટેકના કિસ્સાના કારણે એઇમ્સમાં પણ આ વિષય પર સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. કોરોના હાર્ટ અટેક માટે કેવી રીતે જવાબદાર હોઇ શકે તે વિષય પર અભ્યાસ ચાલી રહ્યો છે.