Surat| સોશિયલ મીડિયામાં થોડા દિવસથી શ્વાન સાથે દુષ્કર્મ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નરાધમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત પીડિત શ્વાનના મેડિકલ ચેકઅપ માટે બે માદા શ્વાનને કલાકોની જહેમત બાદ પકડીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં કેટલાક પ્રાણીપ્રેમીઓએ ફરિયાદ આપી હતી કે, નવસારી બજાર વિસ્તારમાં આવેલી મલેકવાડીમાં રહેતો હરેશ મારુ નામનો વ્યક્તિ ઘણાં સમયથી એક માદા શ્વાસ સાથે દુષ્કર્મ કરી રહ્યો છે. ત્યારે આ મામલે એક જાગૃત સ્થાનિકે વીડિયો ઉતાર્યો હતો અને તેને એનિમલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારે પોલીસે પણ એનિમલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત પોલીસે મોડી રાત્રે આરોપી હરેશ મારુની ધરપડક કરી હતી. ત્યારબાદ ભોગ બનનાર માદા શ્વાનને મેડિકલ ચેકઅપ કરાવવા માટે લઇ જવાની હોવાથી શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં આ શ્વાન મલેકવાડીની હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કાળા રંગની શ્વાન સાથે દુષ્કર્મ અને સફેદ રંગની શ્વાન સાથે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આ બંને શ્વાનના મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી હોવાનું ધ્યાને લઈ ત્રણ કલાકની સખત જહેમત બાદ બંને શ્વાનને પકડીને મેડિકલ ચેકઅપ માટે મોકલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્વાનના મેડિકલ ચેકઅપ બાદ જ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.