અમદાવાદ મનપાનો ઐતિહાસિક નિર્ણય, હવે ભક્તો ચડાવી શકશે માં ભદ્રકાળીને ધજા , હવે ભક્તો ચડાવી શકશે માં ભદ્રકાળીને ધજા

by Dhwani Modi
Bhadrakali temple AMC, News Inside

Ahmedabad| ભક્તોમાં અંબાજી અને દ્વારકા જેવા મોટા મંદિરોમાં ધજા ચઢાવવાનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે હવે અમદાવાદીઓને પણ ઘરઆંગણે આ લ્હાવો મળી શકે છે. હવેથી અમદાવાદના નગરજનો નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધ્વજા અર્પણ કરી શકશે. માઇ ભક્તો નગરદેવી ભદ્રકાળી મંદિરે ધજા ચઢાવી શકશે. 100 વર્ષમાં પ્રથમ વખત આ નિર્ણય લેવાયો કે જેમાં સામાન્ય ભક્તો મંદિરમાં ધજા અર્પણ કરી શકશે.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રના કિલ્લા પાસે નગરદેવી ભદ્રકાળી માતાનું પ્રાચીન મંદિર આવેલુ છે. આ મંદિર અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર છે. માતા ભદ્રકાળીના મંદિરમાં અત્યાર સુધી ધજા ફરકાવાની કોઇ વ્યવસ્થા ન હતી. આખડી કે બાધા રાખનારા ભક્તો જ મંદિરને ધજા અર્પણ કરતા હતા. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ ધજા ચઢાવવા ભક્તો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે.

અમદાવાદ મનપાએ મંદિરના પ્રાંગણમાં પોલની વ્યવસ્થા કરતાં આ મંદિરમાં ધજા ચઢાવવું શક્ય બન્યું છે. અત્યાર સુધી દર પુનમે બે તથા નવરાત્રિમાં માત્ર પાંચ ભક્તો ધજા ચઢાવી શકતા હતા. ત્યારે હવેથી કોઇ પણ માઇ ભક્ત નોંધણી કરાવી 1100 રૂપિયા ચૂકવી ધજા ચઢાવી શકશે. જો કોઇ ભક્ત ધજા વિના આવશે તો પણ મંદિર તરફથી તેને ધજા આપવામાં આવશે.

મંદિરના મુખ્ય ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું કે, મનપાએ મંદિરના પ્રાંગણમાં શેડ બાંધી પહેલી ધજા લહેરાવી છે. આ પહેલા ભદ્રના કિલ્લાનું હરિટેજ સ્થાપત્યનું મહત્વ હોવાના કારણે મંદિરે ધજા ચઢાવી શકાતી ન હતી. માત્ર નવરાત્રિ જેવા પાવન અવસરો ઉપર જ ધજા લહેરાવી શકાતી હતી. હવેથી ભક્તો બાધા કે આખડી પૂરી કરવા ધજા અર્પણ કરી શકશે. ધ્વજાનું પૂજન કરવા માટે 1100 રૂપિયા નક્કી કરાયા છે. આ રૂપિયા ચૂકવી તમે ધ્વજા લહેરાવી શકશો.

આ સાથે શશીકાંત તિવારીએ કહ્યું કે, ભદ્રકાળી માતાજીના મંદિરે જો કોઈ ભક્ત બહારથી ધ્વજા લઈને આવશે તો પણ તેમને રૂ.1100 તો ચૂકવવા જ પડશે. કોઈ વ્યક્તિ ધજા લઈને નહીં આવે તો તેમને મંદિર તરફથી પૂજા વિધિ કર્યા બાદ ધજા અપાશે. જેથી હવેથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા મંદિરે સામાન્ય વ્યક્તિ ધજા ચડાવી શકશે.

Related Posts