અમદાવાદ પીસીબી દ્વારા દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ, મહિલા બુટલેગર સહીત અન્યની થઇ ધરપકડ

કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો હતો આ દેશી દારૂનો ગોરખ ધંધો?

by Dhwani Modi
Country liquor hangout caught, News Inside

Ahmedabad| ગાંધીના ગુજરાતમાં ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાને બંધ કરવા અમદાવાદ પીસીબીની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવાય છે. પરંતુ આ જ ગુજરાતમાં દેશી દારૂનું જોરશોરથી વેચાણ થઇ રહ્યું હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તેવામાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારથી આવો જ એક દેશી દારૂનો અડ્ડો ચલાવતા આરોપી ઝડપાયા છે.

અમદાવાદમાં ક્યાં ચાલતો હતો દેશી દારૂનો અડ્ડો?
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ખાતે રિવરફ્રન્ટ રોડ પર સાબરમતી રેલવે બ્રિજ પાસે જે.પી.ની ચાલીમાં વોટર પમ્પીંગ સ્ટેશનની નીચે જાહેરમાં મોટા પાયે દેશી દારૂનો ગોરખ ધંધો ધમધમતો હતો. ઘણા સમયથી આ અડ્ડો ચાલી રહ્યો હોવાની વિગતો મળી આવી છે. ત્યારે સવાલ એ છે કે આટલા સમયથી આ દેશી દારૂનો અડ્ડો કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો હતો?

આની પાછળ કોઈ પોલીસ અધિકારીની સંડોવણી હોઈ શકે?
મળતી માહિતી અનુસાર, આ દેશી દારૂનો અડ્ડો મહેન્દ્રસિંહ નામના વહીવટદારની રહેમ નજર હેઠળ ધમધમતો હોવાનું જણાવાઈ રહ્યું છે. તેવામાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના નાક નીચે ચાલી રહેલા દેશી દારૂના અડ્ડામાંથી PCB દ્વારા મસ મોટો દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. PCB દ્વારા સ્થળ પરથી કુલ 392 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ છે કે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાલતા આવા અડ્ડા પોલીસના ધ્યાને કેમ નથી આવતા, તથા જો પોલીસને આ બાબતે જાણ હોય તો શા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. દેશી દારૂના સેવનથી અગાઉ પણ ગુજરાતમાં લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાઈ છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તેમ છતાં વહીવટદારો અને અધિકારીઓની રહેમ નજર હેઠળ આવા દેશી દારૂના અડ્ડા ધમધમતા રહ્યા છે અને ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે.

કોણ ચલાવી રહ્યું હતું દેશી દારૂનો અડ્ડો?
PCB દ્વારા રેઇડ કરીને 392 લીટર દેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં એક મહિલા બુટલેગર પણ શામેલ છે. PCB દ્વારા દરિયાબેન નટવરજી ઠાકોર(ઉં.વ.-65) નામની મહિલા બુટલેગર સહીત મૃગેશ સૂર્યકાંત પટેલ(ઉં.વ.-40) અને સંદીપ નરોત્તમભાઇ મારવાડી(ઉં.વ.-40)ને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત દારૂનો જથ્થો પૂરો પાડનાર વિશાલ લક્ષ્મીચંદ જુડમાણી સહીત આ ધંધામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

Related Posts