રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકીઓ ઘડી રહ્યા હતા મોટા કાવતરાનો માસ્ટર પ્લાન

રાજકોટમાંથી ઝડપાયેલા અલકાયદાના આતંકીઓ જન્માષ્ટમી પર સૌરાષ્ટમાં કંઈક મોટી ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું.

by Dhwani Modi
Al-Qaeda terrorist arrested by Gujarat ATS, News Inside

Rajkot| રાજકોટના સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાતા એકબાજુ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી તરફ સોની બજારના વેપારીઓના મનમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આતંકીઓ સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને જન્માષ્ટમી પર સૌરાષ્ટ્રમાં આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. આ ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી AK-47 ચલાવવાની તાલીમ લઈ રહ્યા હતા. એટલું જ નહીં, આ આતંકીઓએ પિસ્તોલ સહિતના અન્ય હથિયારો પણ ખરીદ્યા હોવાની શંકા છે. આગામી દિવસોમાં ત્રણેય આતંકીઓને રાજકોટ લાવીને વિશેષ તપાસ કરાશે.

ATSએ વધુ 3 શખ્સોની અટકાયત કરી
ગુજરાત ATSએ સાળા-બનેવી સહિત વધુ 3 શખ્સોની અટકાયત કરી છે. 12 શકમંદોની પૂછપરછ કરતા સ્થાનિક મોડ્યુલની વિગતો પણ મળી આવી છે. આ શકમંદોના મોબાઈલ ફોનની તપાસ કરતા અન્ય શંકાસ્પદ સંપર્કો મળી આવ્યા છે. 3 આતંકી સાથે વધુ 2 હેન્ડલર અંગે પણ પ્રાથમિક જાણકારી મળી આવી છે. આ 3 આતંકી પૈકી 2 આતંકી રેલવે સ્ટેશન પર રેકી કરતા હતા.

સોની બજારમાં તમામ કારીગરોના ID કાર્ડ ઈશ્યૂ કરાશે
રાજકોટમાં આતંકીઓ ઝડપાતા પોલીસની ઊંઘ ગઈ છે અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. આતંકીઓની ધરપકડ બાદ હવે બંગાળી કારીગરોના ID કાર્ડ ઈશ્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બીજા પ્રાંતમાંથી આવેલા કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે. વેપારીઓએ તમામ કારીગરોની માહિતી પોલીસને આપવી પડશે. રજિસ્ટ્રેશન બાદ કારીગરોને ID કાર્ડ અપાશે.

સોની બજારમાંથી ઝડપાયા હતા આતંકીઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSની ટીમે સોમવારે રાજકોટના સોની બજારમાંથી સૈફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ આતંકીઓ નવ મહિનાથી સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓ ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા.

Related Posts