Ahmedabad| અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયુંછે. ટ્રાફિકની સમસ્યા નિવારવા અને નિયમોનો ભંગ થતો અટકાવવા તંર દ્વારા અનેક નવતર પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અને રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહનચાલકોને અટકાવવા AMC અને ટ્રાફિક વિભાગે સ્પાઈક સ્પીડબમ્પનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે પરંતુ આ પ્રયોગ કેટલો સફળ થશે તેના પર સવાલો ઉઠ્યા છે.
આ સ્પાઈક સ્પીડબમ્પના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદા પણ છે. આમ તો ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર થઈ રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટેના વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. અત્યારે ખાસ કરીને રોંગ સાઈડ વાહન હંકારવાનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા આ સમસ્યાને નિવારવા માટેની તૈયારી કરવામાં આવી છે.
તંત્રની એવી ધારણા છે કે, આ પ્રયોગથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકો અટકશે અને આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આ પ્રકારે સ્પાઈક સ્પીડબમ્પ લગાવવામાં આવશે. જો કે ચાણક્યપુરી બ્રિજ પાસે કરવામાં આવેલ આ પ્રયોગને લોકો આવકારી રહ્યા છે પરંતુ સાથે સાથે આ પ્રયોગને નકારી પણ રહ્યા છે.
હાલમાં અમદાવાદના જે સ્થળ પર આ સ્પાઇક સ્પીડબમ્પ લગાવવામાં આવ્યા છે તે નીચાણવાળો વિસ્તાર છે. વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે રોડ ડૂબી જશે અને જે લોકો ચાલતા હશે તેમને આ સ્પાઇક સ્પીડબમ્પ દેખાશે નહીં, જેથી આ સ્પાઇક વાગી શકે તેવા છે. આ ઉપરાંત 108 ઈમરજન્સી સેવાની જ્યારે જરૂર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં જે જગ્યાએ ઝડપથી પહોંચવું હશે ત્યાં પહોંચી શકશે નહીં. એટલે કે એમ્બ્યુલન્સને પણ ફરી ફરીને જવું પડશે. એટલે આ પ્રકારનો પ્રયોગ લાંબો ટકશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.