સોના-ચાંદીના દાગીના નહિ પરંતુ આ વસ્તુની લૂંટ કરતા આરોપી આવ્યા પોલીસ સકંજામાં

મોરબીના હળવદમાં સરકારી ઘઉંના જથ્થાને લૂંટતા આરોપીઓ ઝડપાયા છે.

by Dhwani Modi
Wheat robbery in Morbi, News Inside

Wheat robbery| મોરબી જિલ્લાના હળવદમાંથી સરકારી ઘઉંનો જથ્થો કન્ટેનરમાં ભરીને વાંકાનેર લઈને જતાં હતા. તે દરમિયાન ઘઉં ભરેલા ટ્રકની ચાર શખ્સો દ્વારા હળવદ પાસે લૂંટ કરવામાં આવી હતી. જો કે, તે ટ્રક હળવદ નજીક ઘટના સ્થળથી થોડે આગળના ભાગમાં પલટી મારી ગયો હતો અને બે વ્યક્તિને તેમાં ઇજા થઈ હતી. ત્યાર બાદ ટ્રક ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની કે પછી કિંમતી એન્ટિક વસ્તુની લૂંટ કરવામાં આવે તેવી ઘટના ઘણી બની હશે. જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી ઘઉંના જથ્થાની લૂંટ કરવામાં આવી હતી આ વાતને સાંભળીને ચોંકવાની જરૂર નથી. કારણ કે, હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ પરિશ્રમ હોટલથી આગળના ભાગમાં ટ્રક લઈને પસાર થઈ રહેલા યુવાનના ટ્રકની આડે બલેનો કાર ઉભી રાખીને તેને રોક્યો હતો અને ત્યારબાદ ટ્રકના ડ્રાઈવરને લાફા મારીને ગાળો આપીને નીચે ઉતારી દીધો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ટ્રકના ડ્રાઈવરે પોતાના બચાવ અર્થે ત્યાંથી ભાગી જતાં કારમાં આવેલ આરોપીઓએ ટ્રક અને ટ્રકમાં ભરેલ 23 ટન સરકારી ઘઉંના જથ્થાની લૂંટ કરી હતી.

જો કે, આગળ જતાં ટ્રક પલટી મારી ગયો હતો. જેથી ઇજા પામેલા બે શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા ટ્રકના ડ્રાઇવર ફિરોજભાઈ જુમાભાઇ જુણેજા જાતે સંધિ મુસલમાન(ઉં.વ.-31) દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?
હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ પરિશ્રમ હોટલથી આગળના ભાગમાં ફરિયાદી પોતાના હવાલા વાળા ટ્રક નં GJ-27 X 4235માં કન્ટેનર રાખીને તેમાં 23 ટન ઘઉંનો જથ્થો ભરીને નીકળ્યો હતો. આ દરમિયાન તેના ટ્રકની આગળ આરોપીઓએ પોતાની કારને ઉભી રાખી હતી અને ત્યારબાદ ફરિયાદીને માર માર્યો હતો. બાદમાં ટ્રક તથા ઘઉં ભરેલા કન્ટેનરની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા અને કુલ મળીને 12 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી.

જેથી ટ્રકના ડ્રાઇવરે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા, વિરલભાઈ શૈલેષભાઈ સોની અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કુલદીપસિંહ બાલભદ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી છે અને સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા અને વિરલભાઈ શૈલેષભાઈ સોનીને ટ્રક પલટી ગયો તે સમયે ઇજા થયેલ હતી. જેથી કરીને તેને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે અને અન્ય એક અજાણ્યો શખ્સ કોણ હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી જીલ્લામાં સરકારી ઘઉંનો જથ્થો ભરેલા ટ્રકની લૂંટ કરવામાં આવી હતી. જો કે, લૂંટ કરીને ભાગવા જતા સમયે ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો. જેથી લૂંટારુઓ ઝડપાઇ ગયા હતા અને પોલીસે IPC કલમ 394, 504, 114 મુજબ ગુનો નોંધી હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ આરોપીઓ દ્વારા સરકારી અનાજ ભરેલ ટ્રકની લૂંટ શા માટે કરવામાં આવી હતી તે સૌથી મોટો સવાલ છે.

Related Posts