મહિલા વકીલ જ બની આરોપી, સેટેલાઇટ પોલીસે ફરિયાદના 2 વર્ષ બાદ કરી લીધી ધરપકડ

આરોપી મહિલા વકીલ પર ખોટી સહી કરીને વારસાગત જમીન પચાવી પાડવાનો લાગ્યો હતો આરોપ

by Dhwani Modi
lady lawyer caught by police, News Inside

Ahmedabad| શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા વકીલની ધરપકડ કરવામાં આવી છે. મહિલા વકીલ સામે વર્ષ 2021 માં ખોટી સહી કરી જમીન પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જોકે કોર્ટ કેસ ચાલતો હોવાના કારણે આ મહિલા કોર્ટ સમક્ષ સમન્સ બાદ પણ હાજર થતી નહોતી. જેને પગલે ધરપકડ વોરંટ કાઢવામાં આવતા સેટેલાઈટ પોલીસે મહિલા વકીલની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

સામાન્ય સંજોગોમાં તમે આરોપી તરીકે રીઢા ગુનેગારો કે ચોરી-લૂંટ જેવા બનાવમાં પકડાતી ગેંગને પકડવા પોલીસને ભારે જહેમત કરવી પડી હોય તેમ સાંભળ્યું હશે. પરંતુ એક મહિલા વકીલની ધરપકડ કરવામાં બે વર્ષ નીકળી ગયા હોય તેવો કદાચ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો આ પ્રથમ કિસ્સો હશે. કારણ કે વકીલ મહિલાએ પોતાના જ વડીલો પાસેથી મળેલી જમીનનો બારોબાર સોદો કરી દેતા તેમના જ પરિવારજનોએ મહિલા સામે વર્ષ 2021 માં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં માત્ર મહિલા વકીલ જ નહીં, પરંતુ તેની સાથે અન્ય સાત આરોપીઓ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આરોપી મહિલા વકીલ ગીતાબેન પટેલ વિરુદ્ધ વર્ષ 2021માં સ્ટાર બજાર પાસેની જોધપુર ગામની સીમમાં આવેલી જમીન વિવાદમાં આ ફરિયાદ દાખલ થઈ હતી.

પોલીસ કસ્ટડીમાં રહેલી આ મહિલા આરોપી ગીતાબેન પટેલ આમ તો વ્યવસાયે વકીલ છે. પરંતુ પોતાના જ પરિવારના જમીનના કેસમાં બારોબાર 4.5 કરોડ રૂપિયાથી વધુ ની રકમ પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. જેને પગલે પોલીસ ગિરફતથી બચવા છેલ્લા બે વર્ષથી મહિલા વકીલ આરોપી ગીતાબેન પટેલ બચતા રહ્યા. આખરે કોર્ટે પણ આરોપી મહિલાની તાત્કાલિક ધરપકડ કરવા વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેને લઈ સેટેલાઇટ પોલીસે મહિલા આરોપીને ઘાટલોડીયા વિસ્તારના તેમના ઘરેથી પકડી પાડવામાં આવ્યા હતા. હાલમાં તેની કાયદેસરની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર ફરિયાદી અને આરોપી ભાઈ-બહેન છે. પરંતુ જમીનની તકરારના કારણે આ ફરિયાદ દાખલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી.

મહત્ત્વનું છે કે, પોલીસને આ કેસમાં એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ દસ્તાવેજમાં ખોટી સહીઓ કરીને પુરાવાઓ ઊભા કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોપી મહિલા વકીલ ગીતાબેન પટેલની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Related Posts