ભારતમાં બનશે PM મોદીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, મહારાષ્ટ્રના આ સુંદર સ્થળ પર બનશે પ્રતિમા

by Dhwani Modi
Statue of PM Modi, News Inside

Statue of PM Modi| નર્મદા જિલ્લામાં બનાવેલુ સરદાર પટેલનું સ્ટેચ્યુ, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશ્વનું સૌથી ઉચું સ્ટેચ્યુ છે. ત્યારે હવે દેશના પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્ટેચ્યુ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેચ્યુ સરદાર પટેલના સ્ટેચ્યુ કરતા પણ ઊંચું હશે. કહેવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદીની આ પ્રતિમા 190-200 મીટરની ઊંચાઈની બનાવાશે, જે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. વધુમાં, હવે આ સ્ટેચ્યુ ભારતના કયા સ્થળ પર બનશે તે પણ આપને જણાવી દઈએ.

મહારાષ્ટ્રમાં એક પ્રખ્યાત ટુરિઝમ સ્થળ આવેલુ છે જેનું નામ છે, લવાસા. જે પ્રવાસીઓમાં ખુબ પ્રખ્યાત છે. પૂણેના લવાસામાં પીએમ મોદીની ભવ્ય પ્રતિમા બનવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 31 ડિસેમ્બર, 2023 પહેલા કે તે જ દિવસે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી શકે છે. આ પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત અરબ એમિરાટ્સ, સાઉદી અરેબિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સામેલ થઇ શકે છે.

આ પ્રતિમા દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રમાં અખંડ એકતા માટે કરવામાં આવતા પ્રયાસો માટે સમર્પિત રહેશે. ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પીએમ મોદીની પ્રતિમા બનવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબન્યુનલ (NCLT) દ્વારા અજય હરિનાથ સિંહના નેતૃત્વવાળી ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝના પક્ષમાં લવાસા સ્માર્ટ સિટી માટે સંકલ્પ યોજનાને મંજૂરી અપાયા બાદ પીએમ મોદીની અખંડ પ્રતિમાની પરિકલ્પના હવે વાસ્તવિક બનવા જઈ રહી છે.

ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(DPIL) ના અધ્યક્ષ અજય હરિનાથ સિંહે જણાવ્યું હતું કે લવાસા કે જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે, ત્યાં એક મ્યુઝિયમ, એક મેમોરિયલ ગાર્ડન, મનોરંજન કેન્દ્ર અને એક પ્રદર્શન હોલ પણ બનાવવાનું આયોજન કરવામાં આવશે, જે ભારતના વારસા અને નવા ભારતની આકાંક્ષાઓનું પ્રદર્શન કરશે. એક્ઝિબિશન હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સિદ્ધિઓની ઝલક જોવા મળશે.

શા માટે પ્રવાસીઓમાં પ્રખ્યાત છે લવાસા?
ચોમાસા દરમિયાન પહાડી વિસ્તારોની મુલાકાત લેવા માટે લોકો આખું વર્ષ રાહ જુએ છે. પહાડો અને વાદળોનો સમન્વય, સુંદર ખીણો અને ધોધમાં રહેવાની શ્રેષ્ઠ વ્યવસ્થા, આ બધું અહીં લવાસામાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. લવાસા વરસાદની મોસમમાં વધુ સુંદર લાગે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા આ વિસ્તારને સ્વર્ગ જેવું બનાવે છે.

અગાઉ પણ પીએમની મૂર્તિઓ બનાવી છે
આ વર્ષની શરૂઆતમાં, સુરતના જ્વેલર બસંત બોહરાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના શાનદાર પરિણામોથી ખુશ થઈને PM મોદીની 156 ગ્રામ વજનની સોનાની મૂર્તિ બનાવી હતી. તે મૂર્તિની કિંમત 11 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પહેલા અમદાવાદ અને ઈન્દોરાના ઉદ્યોગપતિઓ પણ પીએમ મોદીની મૂર્તિઓ બનાવી ચૂક્યા છે. તે જ સમયે, આ વર્ષે મેરઠમાં, બુલિયન વેપારીઓએ પ્રદર્શનમાં પીએમ મોદીની તસવીર સાથે સોનાના સિક્કા રજૂ કર્યા હતા.

Related Posts