Tire killer breaker by AMC| અમદાવાદમાં સ્પીડમાં ગાડી ચલાવતા નબીરાઓને સબક શીખવાડવા માટે AMC દ્વારા લગાવવામાં આવેલા ટાયર કિલર સ્પીડ બ્રેકર શહેરી પ્રજા સામે ફેઈલ થઇ ગયા છે. અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ બ્રેકરને મોટાપાયે લગાવવામાં આવ્યા હતા, પરંતુ AMCના પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે. અમદાવાદીઓ હવે આ ટાયર કિલર સ્પીડ બ્રેકરની મજાક ઉડાવી રહ્યાં છે. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ ગાડી ચલાવતા ટાયર ફાટી જવાની બીક બતાવાઈ હતી. પરંતું આ બ્રેકર તો કોઈ કામના જ ન નીકળ્યા. અમદાવાદના લોકો ચિંતા વગર રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે.
ટાયર કિલર બમ્પ લગાવ્યા બાદ પણ વાહનચાલકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. બમ્પ પરથી બિંદાસ્ત રોંગ સાઈડમાં વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે.
રસ્તા પર રોંગ સાઈડ આવતા લોકોને રોકવા AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નીચે ટાયર કિલર બ્રેકર લગાવ્યા તો ખરા, પરંતુ અમદાવાદીઓ માંડ એક દિવસ રસ્તા ઉપરથી રોંગ સાઈડ જતાં અટક્યા. બીજે દિવસથી અમદાવાદીઓએ તેનો જુગાડ શોધી લીધો. પોતાનું ટુવ્હીલર હોય કે ફોરવીલર રોંગ સાઈડથી જઈ રહ્યા છે. ટુ વ્હીલર તો સામાન્ય રીતે ટાયર કિલર પર બે સ્પાઈક વચ્ચેથી સરળતાથી નીકળી જાય છે. જ્યારે ગાડી ચાલક પણ બેધડક રોંગ સાઈડમાં જઇ રહ્યા છે. માત્ર 2 દિવસ પહેલાં લગાવેલા આ ટાયર કિલર પરથી સરળતાથી અમદાવાદીઓ પોતાના વાહન રોંગ સાઈડ લઈ જઈ રહ્યાં છે.
આમ, અનેક વાહનોના ટાયર વગર પંચરે આસાનીથી પસાર થઈ રહ્યા છે. પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયા વિસ્તારમાં ટાયર કિલર બમ્પ લગાવાયું હતું. પરંતુ જે હવે કોઈ કામમાં આવ્યુ નથી તે સાબિત થઈ ગયું છે. બેજવાબદાર નાગરિકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યાં છે. કેટલાક વાહન ચાલકો આ ટાયર કિલર બ્રેકર કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે બ્રિજ પર ઉભા રહી ટ્રાફિક વધારતા પણ નજરે પડ્યા છે.
AMC દ્વારા આ બમ્પ લગાવીને સામાન્ય જનતાને બીક બતાવાઈ હતી કે, રોંગ સાઈડમાં વાહન લઈને ઘુસી જતા અમદાવાદીઓ ચેતી જજો. નહીંતર તમારા વાહનના ટાયર ફાટી જશે. AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નીચે રોંગ સાઈડ જતા વાહનોને રોકવા ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોંગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે. હાલ પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક તરફના બન્ને સર્વિસ રોડ પર અમલવારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કારગિલ પેટ્રોલપંપ પાસે, ઇસ્કોન, શાસ્ત્રીનગર , જ્જીસ બંગ્લો એરિયામાં પણ કડક અમલ થશે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદીઓ સાવધાન! AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર ફાટી જશે. પરંતુ આ બમ્પ કોઈ કામના ન નીકળ્યા.