Ahmedabad| મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સતત વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ પ્રકારના ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ સમસ્યા વધુ વિકટ બનતી જાય છે, જેના કારણે તાજેતરમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ખાસ પાંચ વીઆઇપી રોડ માટે વિશેષ અભિયાન હાથ ધરવાની તાકીદ સંબંધિત અધિકારીઓને કરી છે. આ પાંચ વીઆઇપી રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણ કે વાહનને દૂર કરી લોકોને સરળતા કરી આપવાના ઉદ્દેશથી તમામ રોડ દીઠ અમલીકરણ અધિકારી અને સુપરવિઝન અધિકારીની નિમણૂક કરાઈ છે. આ દરમિયાન, માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનના કુલ ત્રણ રોડની કામગીરીની વિગત તપાસતાં અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. સવા ત્રણ લાખ દંડ પેટે વસૂલાયા હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, જજીસ બંગલો રોડનો પણ આ કામગીરીમાં સમાવેશ થયો છે.
64 વાહનોને તાળા મારી વહીવટી ચાર્જ વસૂલ્યો
ઉત્તર પશ્ચિમ ઝોનના રન્નાપાર્ક, પ્રભાતચોકથી ચાણક્યપુરીબ્રિજ થઈ ડમરું સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ થઈ હાઈકોર્ટથી સોલા ભાગવત સુધીનો રોડ, કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થઈ પકવાન ચાર રસ્તા સુધીનો રોડ અને ઇસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલની બંને બાજુનો રોડ એમ આ ત્રણ રોડ પરનાં દબાણ ગઈ કાલે તંત્રએ દૂર કર્યાં હતાં અને 64 વાહનને તાળાં મારીને કુલ 29,500નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો. આ ઉપરાંત પ્રભાત ચોક ચાર રસ્તા, ડમરું ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પરથી પણ દબાણ દૂર કરાયાં હતાં. તેમજ અનધિકૃત પાર્ક કરાયેલી રિક્ષાઓને હટાવાઈ હતી. તંત્રએ કુલ 5 લારી, 26 બોર્ડ-બેનર અને 56થી વધુ પરચૂરણ માલસામાન પણ જપ્ત કરી સિંધુ ભવન ખાતેના ગોડાઉનમાં જમા કરાવ્યો હતો.
જ્યારે 3 ઓગસ્ટના રોજ તંત્રએ 100 જેટલાં વાહનને તાળાં મારી રૂ. 57 હજાર જેટલો વહીવટીચાર્જ વસૂલ્યો હતો. 5 જેટલાં વાહનને ટ્રાફિક પોલીસ સાથેની સંયુક્ત ડ્રાઇવ દરમિયાન ટોઇંગ કરાયાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 લારી-ગલ્લા, 12 વાંસ-વળી, 116 પરચૂરણ માલસામાન અને 26 જાહેરાતનાં બોર્ડ-બેનર જપ્ત કર્યાં હતાં.
ગેરકાયદેસર પાર્ક થયેલા 10 થી વધુ વાહનો ટોઈંગ કરાયા
તા. 26 જુલાઈથી હાથ ધરાયેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 625થી વધુ વાહનોને તાળાં મરાયાં હોવાથી વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ બાબતે પ્રાપ્ત થતી વિગતો અનુસાર તંત્રએ 100 જેટલી છતવાળી અને સાદી લારી, 8થી વધુ ગલ્લા, 25થી વધુ શેડ, 200થી વધુ વાંસ-વળી, 50થી વધુ તાડપત્રી, 75થી વધુ ટેબલ, 275થી વધુ ખુરશી, 825થી વધુ સ્ટૂલ અને 250થી વધુ બોર્ડ-બેનર જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત જાહેર રોડ પર ગેરકાયદે પાર્ક થયેલાં 10થી વધુ વાહનોને ટ્રાફિક પોલીસની મદદથી ટોઇંગ કરવામાં આવ્યાં હતાં.
રોડને પહોળો કરવા સંદર્ભે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ
ગોતા ચાર રસ્તા પાસે 24 મીટરના એસજી હાઈવે પેરેલલ રોડને પહોળો કરવાના સંદર્ભે ગઈ કાલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓપરેશન ડિમોલિશન પણ હાથ ધરાયું હતું, જે હેઠળ તંત્રએ 12 દુકાનના એક્સ્ટેન્શન પ્રકારના બાંધકામને દૂર કરતાં આવા બાંધકામકર્તાઓમાં તંત્રનો ભય ફેલાયો હતો.
ઉપરાંત, પશ્ચિમ ઝોનના અન્ય રોડ જેવા કે ગોલ્ડન ટ્રાયેન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્ટેડિયમ ચાર રસ્તાથી પરિમલ ગાર્ડન અંડર પાસ સુધી, ગોલ્ડન ટ્રાયેન્ગલથી અંકુર ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા સુધીના રોડ પર પણ તંત્રએ 28 વાહનને તાળાં મારી કુલ રૂ. 9,800નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો.
સીજી રોડ પર પણ તંત્રએ સપાટો બોલાવ્યો
મ્યુનિસિપલ તંત્ર દ્વારા સીજી રોડ પરનાં દબાણ હટાવવા માટે પણ ખાસ ઝુંબેશ ચલાવાઈ છે, જે અંતર્ગત સીજી રોડ પર તંત્રએ સપાટો બોલાવ્યો હોઈ આ રોડ પર આડેધડ પાર્ક થતાં વાહનો અદ્રશ્ય થવા લાગ્યા છે અને લોકો તેની ગલીમાં વાહન પાર્ક કરી રહ્યા છે.