ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. છેલ્લાં કેટલાંક દિવસથી પ્રદીપસિંહ વાઘેલા વિશે જાત જાતની વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. આવી સ્થિતિમાં આજે ખુદ પ્રદીપસિંહ વાઘેલાએ પણ આ અંગેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું સ્વૈચ્છિક રીતે રાજીનામું આપું છું. કમલમમાં પ્રવેશબંધીની વાત ખોટી છે.’
ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ‘પ્રદીપસિંહનું રાજીનામું એ અંગત વિષય છે, તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘હમણાં મને પાર્ટીમાં કામ કરવાની અનુકૂળતા નથી. પાર્ટીમાં ક્યારેક વ્યક્તિગત પરિસ્થિતિ નિર્મિત થઈ હોય એ રીતે જ પ્રદિપસિંહે પોતાની ઈચ્છાથી રાજીનામું આપ્યું છે. પક્ષ દ્વારા રાજીનામું સ્વીકારાઈ ગયું છે. સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે અને પાર્ટીએ તે સ્વીકારી લીધું છે.’
રજની પટેલે વધુમાં જણાવ્યું કે, ‘પ્રદીપસિંહ વાઘેલા ભાજપના સનિષ્ટ કાર્યકર રહ્યા છે, હાલ પણ તેઓ પક્ષના કાર્યકર છે અને હંમેશા રહેશે. કમલમના દરવાજા તેમના માટે હંમેશા ખુલ્લા છે. પક્ષને એમની વિરુદ્ધ કોઈપણ ફરિયાદ મળી નથી. દરેક કાર્યકરને કાર્યાલય પર આવવાનો હક છે. કમલમમાં પ્રવેશ પ્રતિબંધની વાત તદ્દન ખોટી છે, તેમાં કોઈ તથ્ય નથી. કમલમના દરવાજા તેમના માટે અને દરેક કાર્યકર્તા માટે હંમેશા ખુલ્લા જ રહેશે. અન્ય આક્ષેપોની વાત છે તેમાં કોઈપણ એફઆઈઆર દર્જ થાય ત્યારે તપાસ થાય છે. અમને પાર્ટી સુધી કોઈ ફરિયાદ મળી નથી.’
ભાજપના સહપ્રવક્તા ડો.ઋત્વિજ પટેલે આ બાબતે જણાવ્યું કે, ‘પોતાના અંગત કારણોસર પ્રદીપસિંહએ રાજીનામું આપ્યું છે. પત્રિકાકાંડમાં પણ તપાસ થઈ રહી છે. તેઓ કાર્યકર છે અને રહેશે. જ્યારે ઈચ્છે ત્યારે કમલમ પર આવી શકે છે. પ્રદીપસિંહે પોતાના કામનું ભારણ ઓછું કરવા માટે હાલ રાજીનામું આપ્યું છે.’