અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસને નડ્યો અકસ્માત, બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત

ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા સ્કૂલ બસ વૃક્ષ સાથે ટકરાતા સર્જાયો અકસ્માત

by Dhwani Modi
School bus accident, News Inside

School bus accident| અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. હાલ ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા સ્કૂલ બસ વૃક્ષ સાથે ટકરાઈ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અમદાવાદના ઓગણજ ખાતે આવેલી લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ઉતારીને પરત આવી રહી હતી. આ દરમિયાન અડાલજ-ગાંધીનગર હાઈવે પર ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ ડિવાઈડરમાં ઘૂસીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત સમયે સદ્ નસીબે બસમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ બસને નડ્યો અકસ્માત
આ અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લિનરને ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં બસના ડ્રાઈવરસાઈડના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે.

વલસાડ નજીક સર્જાયો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વલાસાડ નજીક નેશનલ હાઈવે પર ટામેટા ભરેલા ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અન્ય એક ટ્રક અને કાર પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. બનાવને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. આ અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહાર યથાવત કરવા પ્રયાસ હાથ ધર્યા હતા.

Related Posts