ગુજરાત યુનિવર્સીટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હોવાનો NSUIનો આક્ષેપ

by Dhwani Modi
Cannabis plant found in Gujarat university, News Inside

Ahmedabad| રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવતા ભારે હડકંપ મચી ગયો છે. ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી ગાંજાની ખેતી થઇ રહી હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. યુનિવર્સિટીમાંથી NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ગાંજાના છોડ ઉગાડ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાત યુનિવર્સીટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાનો છોડ મળી આવ્યો છે. જેમાં બે અલગ અલગ છોડ મળી આવ્યા છે. એક 6.5 ફૂટનો છોડ છે અને અન્ય એક 5.5 ફૂટ ઊંચો છોડ છે. આ કેમ્પસમાં આવા એક બે નહિ પણ અનેક છોડ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે, NSUI અને કોંગ્રેસના કાર્યકરોના આક્ષેપ બાદ પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે અને વધુ તાપસ હાથ ધરી છે.

મારવાડી યુનિવર્સિટીમાંથી પણ મળ્યા હતા ગાંજાના છોડ
વિદ્યાના ધામ ગણાતા એવા મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાની સાથો સાથ નશાનું પણ વહેંચાણ થતું હોય તે પ્રકારની ચર્ચા ફરી એક વખત ઉઠી છે. રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત ૧૩મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત આખરે ત્રણ મહિના બાદ એફએસએલનો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર દેસાઈ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે.

એફએસએલ દ્વારા તપાસ કરતા માદક પદાર્થના છોડ હોવાનું ખૂલ્યું
કુવાડવા પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, 13 એપ્રિલ 2023 ના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનારા નીતિન ચૌહાણ દ્વારા મારવાડી કોલેજ યુનિવર્સિટીના કેમ્પસમાંથી શંકાસ્પદ માદક પદાર્થના છોડ મળી આવેલા છે. તે બાબતની જાણ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તો સાથે જ એફએસએલના અધિકારી એસ.એચ ઉપાધ્યાયની પણ મદદ મેળવવામાં આવી હતી.

હોસ્ટેલની દીવાલ પાછળથી મળ્યા હતા નશાના છોડ
મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલની બિલ્ડીંગની પાછળની દીવાલે આવેલા બગીચા પાસે કરણના ઝાડ વાવેલા છે. તેમજ તેની આજુબાજુ લીલા વનસ્પતિ જન્ય છોડવાનો ઢગલો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળ પરથી 23 જેટલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. ત્યારબાદ તેને પરીક્ષણ અર્થે ગાંધીનગર ખાતે મોકલવામાં આવતા પરીક્ષણમાં શંકાસ્પદ છોડવા ગાંજાના જ હોવાનું સામે આવ્યું હતું. તેમજ ગાંધીનગર ખાતે થયેલા પરીક્ષણમાં છોડવામાં ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ, કેનાબીનોલ તેમજ તેના કેનાબીડીઓલ જેવા ઘટકોની માત્રા મળી આવી છે.

Related Posts