મૃતકે વ્યાજખોરો પાસેથી 30 ટકા વ્યાજે મામૂલી રકમ લીધી હતી. જે મૂડી અને વ્યાજ ચૂકવવા આરોપીઓ દબાણ કરી ધમકી આપતા હતા.
વટવા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય મોહંમદ ફારૂક સૈયદ રિક્ષા ચાલક છે. 28 જુલાઇએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. મોહંમદફારૂકના પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા મૃતક પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યુ હતું કે મારૂ નામ મોહંમદ ફારૂક સૈયદ છે, બે મહિનાથી બીમાર હોવાથી હું ઉધાર લીધેલા રૂપિયા ન ચૂકવી શક્તા મને ટોર્ચર કરતા હતા. જેમાં એકનું નામ હજર પઠાણ છે. મારા ઘરનો નંબર લખેલ છે જાણ કરી દેજો. આ નોટના આધારે મોહંમદ ફારૂકની પુત્રી સહાના પરવીને ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં તપાસમાં સામે આવ્યું છે કે મૃતકે એક વર્ષ પહેલાં અઝરૂદ્દીન ઉર્ફે હજર પાસેથી ત્રણ વખત 40 હજાર રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા. જે ભરી દીધા બાદ ફરીથી 30 ટકા વ્યાજે 40 હજાર લીધા હતા જેનું રોજનું રૂ. 300 વ્યાજ ચૂકવતા હતા. પરંતુ પંદરેક દિવસથી વ્યાજ ચૂકવવાનું બાકી હતુ. પરેશ પટેલ પાસેથી 40 હજાર વ્યાજે લઇ રોજના રૂ.600 ચૂકવતો હતો, વીસેક દિવસથી આ પણ ચૂકવવાના બાકી હતા.
મૃતકે રેહાન નામના વ્યાજખોર પાસેથી રૂ.30 હજાર 30 ટકા વ્યાજે ત્રણ વખત લીધા હતા. જેનું વ્યાજ ભરી દીધા બાદ ફરીથી 30 ટકા વ્યાજે 30 હજાર રૂપિયા લીધા હતા. જેનું વ્યાજ ચૂકવવાનું બાકી હોવાથી આરોપીએ વ્યાજ અને મૂડી ન આપો તો જીવવા નહીં દઇએ તેવી ધમકી આપી હતી. આ ધમકીઓથી કંટાળીને મોહંમદફારૂક સૈયદે નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મોહમંદ અઝરૂદ્દીન ઉર્ફે હજર પઠાણ ઇકબાલભાઇ શેખ (વટવા), પરેશ પટેલ (ખોખરા), રેહાન પઠાણ (વટવા) સામે દુષ્પ્રેરણા વ્યાજખોરી બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.