Indian Politics| વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં 156 સીટો પર વિજેતા બની નવો રેકોર્ડ બનાવનાર ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે. વિધાનસભામાં ત્રિશંકુનો લાભ લઈ ભાજપ માધવસિંહનો રેકોર્ડ તોડવામાં સફળ તો રહી પણ એક તબક્કે ભાજપની બી ટીમ ગણાતી કેજરીવાલની આપ હવે લોકસભામાં કોંગ્રેસ સાથે મળીને ગઠબંધન થકી લોકસભાની ચૂંટણી લડશે. હવે એ વાત નક્કી છે કે આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન થઈ રહ્યું છે. પણ આગામી સમયમાં ખુલાસો થશે કે કોંગ્રેસ આપને કેટલી બેઠકો આપે છે. દેશભરમાં મોદી સરકારને રોકવા માટે ઈન્ડિયા નામનું નવું ગઠબંધન જાહેર થતાં એક તબક્કે ક્યારેય કોંગ્રેસ સાથે નહીં જોડાય તેવી કસમ ખાનાર કેજરીવાલે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.
વિધાનસભામાં આપે કોંગ્રેસને નુકસાન કર્યુ હતું
દિલ્હીમાં આપ અને કોંગ્રેસ સામ સામે લડાઈ લડી રહી છે, તેવામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક સાથે મળીને ચૂંટણી લડશે. આપણે એ ન ભૂલવું જોઈએ કે વિધાનસભામાં ભાજપને બમ્પર જીત એ આપ ને આભારી છે. વિઘાનસભામાં ભાજપની બી ટીમ ગણાતી કેજરીવાલની આપે કોંગ્રેસને ભારે નુક્સાન પહોંચાડ્યું હતું. સરકાર વિરોધી જુવાળ આપમાં ફેરવાતાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. ભલે આપને 5 જ સીટો મળી હતી પણ એ ભાજપને જીતાડવામાં જવાબદાર હતી.
ભાજપને રોકવા એક થયા કોંગ્રેસ અને આપ
ગુજરાતમાં ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો અને 13 ટકા વોટ મળ્યા છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 0.29 ટકા વોટ મળ્યા હતા. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું અને કોંગ્રેસ તેના અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રદર્શન સાથે માત્ર 17 બેઠકો પર પહોંચી ગઈ હતી. આટલા મોટા નુકસાનનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવા પક્ષો દ્વારા કોંગ્રેસના મતોમાં ઘટાડો છે. કોંગ્રેસ આ વાતને સારી રીતે સમજી ચૂકી છે એટલે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતતી ભાજપને રોકવા માટે અહીં ગઠબંધન કરાયું છે.
આપ-કોંગ્રેસનું એક થવાથી ભાજપને મોટો ફટકો પડશે
ભાજપની ગુજરાતમાં કમિટેડ વોટબેંક છે. કોંગ્રેસની વોટબેંકમાં આપ ભાગલા પાડી રહ્યું છે. ભાજપને રોકવી હોય તો ગઠબંધન જરૂરી હોવાને પગલે આ નિર્ણય લેવાયો છે. આમ પણ સંગઠનની વાતમાં આપ કોંગ્રેસ કરતાં ઘણું પાછળ છે. આપની પણ મજબૂરી છે. કારણ કે આપ પણ 26 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખીને ડિપોઝિટ ડૂલ કરાવવા માગતું નથી. કોંગ્રેસ અને આપની વોટબેંક એક થાય તો ગુજરાતમાં ભાજપને ટેન્શન આવશે એ નક્કી છે કારણ કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એ બંને અલગ બાબત છે. ભાજપ ભલે 26 માંથી 26 બેઠકો જીતી રહ્યું છે પણ આજે પણ ભાજપને 26 માંથી 26 બેઠક વર્ષ 2024ની ચૂંટણીમાં જીતીશું એ બાબતે શંકા છે. આપ અને કોંગ્રેસ એક થાય તો ભાજપે નવેસરથી પ્લાન ઘડવા પડે તો પણ નવાઈ નહીં.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને અઘરુ પડશે
લોકસભા અને વિધાનસભાના ગણિત અલગ અલગ છે. બંનેની વોટબેંક અલગ છે. આપણે એ ન ભૂલવુ જોઈએ કે, કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી, ત્યારે લોકસભા ચૂંટણી 2009માં કોંગ્રેસની 11 લોકસભા સીટ હતી. પીએમ મોદીની લોકસભામાં જીત બાદ ગુજરાતમાં ભાજપનો પરચમ લહેરાયો હતો, અને ભાજપે 26 માંથી 26 સીટ હાંસિલ કરી હતી. તેથી જો આ લોકસભામાં ચિત્ર બદલાઈ જાય તો નવાઈ નહિ.