CRPF મહિલા કૉન્સ્ટેબલે પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશને લગાવી દીધી ઠેકાણે

by Dhwani Modi
wife killed her husband along with her lover, News Inside

Rajasthan| રાજસ્થાનમાંથી એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નરેના ચોથ ગામની રહેવાસી CRPF મહિલા કૉન્સ્ટેબલે પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી છે. પોલીસે આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ બાદ પોલીસે મૃતકનો મૃતદેહ કબજે કરી પંચનામા કર્યા બાદ મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાનો આ આખો મામલો CRPFમાં તૈનાત બે કૉન્સ્ટેબલ સાથે સંબંધિત છે. મૃતક સંજય જાટની પત્ની પૂનમ જાટ CRPFમાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. પૂનમના લગ્ન 2010માં નરેના ચોથના રહેવાસી સંજય જાટ સાથે થયા હતા. પૂનમનું CRPF પોલીસ કૉન્સ્ટેબલ રામપ્રતાપ ગૂર્જર સાથે અફેર હતું. કૉન્સ્ટેબલ રામપ્રતાપની પૉસ્ટિંગ નાગાલેન્ડમાં છે. આ બંનેએ મળીને સંજયને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો.

યુવક સાથે પ્રેમ થયા બાદ પતિની હત્યા કરીને મૃતદેહને લગાવ્યો ઠેકાણે
હત્યાનો પ્લાન બનાવ્યા બાદ પૂનમે પોતાના પતિ સંજયને દિલ્હી બોલાવ્યો હતો. 31મી જુલાઈએ મહિલા આરોપીનો પતિ સંજય જાટ સવારે દિલ્હી જવા રવાના થયો હતો, જ્યાં પત્ની પૂનમ અને તેના પ્રેમી રામપ્રતાપ ગૂર્જર કે જેઓ પહેલાથી જ સ્થળ પર હાજર હતા તેઓએ મળીને સંજયની હત્યા કરી હતી. હત્યા બાદ સંજયનો મૃતદેહ દિલ્હીથી રાજસ્થાનના બાંસુર પહોંચ્યો અને તેને બાયપાસ રૉડ પર વિવેકાનંદ પબ્લિક સ્કૂલની પાછળના ખાલી પ્લોટમાં દાટી દીધો.

આરોપી મહિલા પોલીસ કૉન્સ્ટેબલના છે ત્રણ બાળકો
મળતી માહિતી મુજબ, સંજય અને પૂનમના લગ્ન વર્ષ 2010માં થયા હતા. પૂનમના મામા ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના રાયપુર ગામના છે, તે લગભગ અઢી વર્ષથી દિલ્હીના દ્વારકા સેક્ટર 8માં મેટ્રૉ સ્ટેશન પર પૉસ્ટેડ છે. પૂનમ અને સંજયને ત્રણ બાળકો છે, જેમાં સૌથી મોટી દીકરી 12 વર્ષની છે, તે બાદ નાનો દીકરો 8 વર્ષનો છે અને સૌથી નાનો દીકરો 5 વર્ષનો છે. આ બાળકો ગામમાં જ રહે છે, દીકરી આઠમા ધોરણમાં અને મોટો દીકરો ધોરણ 1માં અભ્યાસ કરે છે. પૂનમનો પ્રેમી રામપ્રતાપ પણ પરિણીત છે અને તેને બે બાળકો છે.

પરિવારજનોને પત્ની અને તેના પ્રેમી પર શક
પરિવારજનોએ મૃતક સંજયને ફોન કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો, પરંતુ તેનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. જ્યારે સંબંધીઓએ મૃતકની પત્ની પૂનમને સંજય વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, તે દિલ્હી આવ્યો જ નથી. જે બાદ સંબંધીઓ અને પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. હેબતાઈ ગયેલા સંબંધીઓએ 4 ઓગસ્ટે ખોહ પોલીસ સ્ટેશનમાં સંજયના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, જ્યાં તેમને રામપ્રતાપ અને મૃતકની પત્ની પૂનમ પર હત્યાની શંકા હતી. મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, 31 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે સંજય સાથે છેલ્લી વખત ફોન પર વાત કરી ત્યારે તેને કહ્યું હતું કે મેટ્રોમાં બેસીને તે પૂનમ પાસે પહોંચી જશે અને તેની સાથે વાત કરશે. ત્યાર પછીથી સંજયનો કોઈ પત્તો નથી.

મૃતકના પિતા મણિરામે જણાવ્યું કે, સંજયના ગુમ થયા બાદ પૂનમને નોકરીમાંથી રજા લઈને ઘરે આવવાનું કહેવામાં આવ્યું, તો તેણે કહ્યું કે તેને રજા નથી મળી રહી, હવે તેને થોડા દિવસો પછી રજા મળશે તો તેને જવું પડશે. આવો પૂનમના આ ઇન્કાર બાદ શંકા વધુ ઘેરી બની હતી. ખોહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ પોલીસે આરોપી CRPF કૉન્સ્ટેબલ પૂનમ અને તેના પ્રેમી રામપ્રતાપ ગૂર્જરને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ પૂછપરછમાં તેણે સંજયની હત્યા કર્યાની કબૂલાત કરી છે. આરોપી રામપ્રતાપના કહેવા પર પોલીસે લાશને બહાર કાઢીને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts