રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુન:સ્થાપિત કરાયું, લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કર્યું

by Dhwani Modi
Rahul Gandhi in Modi surname defamation case, News Inside

Rahul Gandhi defamation case। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવી હતી.આ સાથે તેમનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી. મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે.

રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું
નીચલી કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. તથા સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.

કોંગ્રેસે લોકસભા સાંસદોની બેઠક બોલાવી
એક અહેવાલ મુજબ કોંગ્રેસે સોમવારે સવારે 10.30 વાગ્યે પાર્ટીના સંસદીય કાર્યાલયમાં તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી છે. કોંગ્રેસના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ શનિવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશની નકલ ઔપચારિક રીતે લોકસભા સચિવાલયને સોંપવામાં આવી છે.

આ પહેલા એવી ચર્ચા હતી કે, જો લોકસભા સચિવાલય કાયદા મંત્રાલયનો અભિપ્રાય લેવાનું નક્કી કરે છે તો રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા લાંબી ચાલી શકે છે. જોકે આ તમામ અટકળો પર હવે વિરામ લાગી ગયો છે. કારણ કે લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.

નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ મોહમ્મદ ફૈઝલના કિસ્સામાં બન્યું હતું. લક્ષદ્વીપના સાંસદને જાન્યુઆરીમાં કેરળ હાઈકોર્ટમાંથી તેમની સજા પર રોક લગાવવાનો આદેશ મળ્યો હતો. જ્યારે લોકસભામાં પરત ફરતા પહેલા તેમને લગભગ બે મહિના રાહ જોવી પડી હતી.

Related Posts