Rajkot| રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામમાં ગૌરવ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કેસર પોલીમર્સ કારખાનાની અગાસી ઉપરની ઓરડીમાંથી લક્ષ્મીબેન નામની 30થી 40 વર્ષીય પરણિતાની લાશ મળી આવી હતી. આ હત્યા 3 ઓગસ્ટના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી. આ સમગ્ર મામલે પરણિતાની હત્યા કરાયેલી હાલતમાં લાશ 4 ઓગસ્ટના રોજ મળી આવી હતી. આ સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પરણિતાના પતિ લેખરામ કપૂર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, કોઈ કારણોસર પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં આરોપી દ્વારા પત્નીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ દ્વારા મૃતકના પતિ અને હત્યાના કામના આરોપી એવા લેખરામ કપૂરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.
પોલીસે સોશિયલ મીડિયામાં આરોપીનો ફોટો શેર કરી આરોપી મૂળ ઉત્તર પ્રદેશના માહોબા જિલ્લાનો વતની હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ આરોપીની ઓળખ થઈ શકે તે પ્રકારની કોઈ માહિતી કોઈ વ્યક્તિ પાસે હોય તો તે શાપર વેરાવળ પોલીસનો સંપર્ક સાધે. પોલીસે આરોપીની ઓળખ માટે જણાવ્યું છે કે, આરોપીએ પોતાના જમણા હાથના કાંડા પર કપૂર નામ પણ ચીતરાવેલ છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મેહુલભાઈ કલકાણી નામના વેપારીએ જણાવ્યું હતું કે, આરોપી 8 જુલાઈ 2023ના રોજ તેની પત્ની સાથે તેમને ત્યાં મજૂરી કામ કરવા આવ્યો હતો. આરોપી અને તેની પત્ની વચ્ચે અવારનવાર કારખાનાની સીડી પાસે ઝઘડો તેમજ માથાકૂટ પણ થતી હતી. ત્યારે રાજકોટ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.