ગુજરાતમાં હાલ પૂરતી ભારે વરસાદની આગાહી નહિવત, 3 દિવસ આ જિલ્લાઓમાં વરસી શકે છે છુટોછવાયો વરસાદ

by Dhwani Modi
Rain forecast in Gujarat in August, News Inside

Monsoon 2023| રાજ્યમાં હાલ થોડા દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસ ભારે વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. મોટી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવના હતી તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી ગઈ છે. તેથી ખેડૂતો માટે આ સારી ખબર માનવામાં આવી રહી છે. તેઓ ખેતીને લગતી મહત્વની કામગીરી આ સમય દરમિયાન કરી શકે છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં બે વાર ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે, 7 ઓગસ્ટના રોજ જુનાગઢ, ગીરસોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે 8 ઓગસ્ટ એટલે મંગળવારે જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં તાલુકામાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે 9મી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં તાલુકામાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શનિવારે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓની આગાહી કરી છે. જેમાં તેમણે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં માત્ર હળવા વરસાદની સંભાવનાઓ છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, હાલમાં ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. જેના કારણે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, ભારે વરસાદ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, કોસ્ટલ એરિયામાં આગામી 9 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરિયામાં 40-45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની સંભાવનાઓ છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રવિવારે જણાવ્યુ હતુ કે, હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નથી અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી. તેમણે ઓગસ્ટમાં રહેનારા હવામાન અંગે વાત કરી છે, જેમાં વરાપ, વરસાદ અને પવનની વાત તેમણે કરી છે. તેમણે હાલ રાજ્યમાં પવનની ગતિ રહેશે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતુ કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશશે. જેના કારણે ખેડૂતોનો પાક બગડે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે.

 

Related Posts