તથ્યકાંડમાં નવા ખુલાસા સામે આવ્યા, તથ્ય બાદ તેના મિત્રોએ પણ માનવતાની હદ વટાવી

ઇસ્કોન બ્રિજના ગોઝારા અકસ્માત બાદ તથ્યના મિત્રો નાસ્તો કરવા ગયા હતા બાદમાં પોતાના ઘરે ગયા

by Dhwani Modi
Tathya Patel's friends, News Inside

Tathya Patel Accident| અમદાવાદના અબજોપતિનો નરાધમ દીકરો મોડીરાત્રે મિત્રો સાથે સીનસપાટા કરવા નીકળ્યો, અને પોતાની મજામાં તેણે અનેક પરિવારોની ખુશી છીનવી લીધી. તથ્ય પટેલ નામના નબીરાએ 140થી વધુ સ્પીડે કાર હંકારીને અનેક લોકોને હવામાં ફૂટબોલની જેમ ફંગોળીયા, જેમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ કેસમાં રોજેરોજ આરોપી તથ્ય પટેલ વિશે તો ચોંકાવનારા ખુલાસા થતા જ રહે છે પરંતુ હવે તેના મિત્રો વિશે પણ એવી વાત સામે આવી છે જે જાણીને હચમચી જવાય. ખરેખર એમ થાય કે આ નબીરાઓમાં માનવતા જેવું કઈ છે કે નહીં? એવી પણ હવે તો વિગતો સામે આવી રહી છે કે તથ્ય પટેલને ટોળામાંથી છોડાવતી વખતે પિતા પ્રજ્ઞેશ પટેલની સાથે તેની માતા પણ ઘટના સ્થળે જ હતી.

વિસ્મય કેસનું પુનરાવર્તન ન થાય તેવી રખાઈ રહી છે કાળજી
આખા ગુજરાત સહિત દેશભરને હચમચાવી નાખનારા આ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસકર્મીઓ સહિત 9 લોકોના ભોગ લેવાયા હતા. તથા અનેક લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી છે. વર્ષ 2013માં વિસ્મય કેસમાં કેટલીક ભૂલો થઈ હતી, તેનું હવે આ વખતે પુનરાવર્તન ન થાય તેની કાળજી પોલીસ દ્વારા લેવાઈ રહી છે. પોલીસે તથ્ય સાથે ગાડીમાં હાજર તેના મિત્રોના વીડિયોગ્રાફી કરીને નિવેદન નોંધ્યા છે. એટલું જ નહીં તથ્યના આંખના વિઝનની પણ બરાબર તપાસ કરાવી લીધી છે. જેમાં તેની દ્રષ્ટિ બરાબર હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. અલગ અલગ નિષ્ણાંતોના મત પણ ભેગા કરાયા છે અને અનેક જગ્યાએથી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવીને સંયોગિક રીતે પુરવાર થાય તેવા ભરપૂર પ્રયત્નો કરાયા છે.

પિતા સાથે માતા પણ હાજર
આ ઘટનાનો એક વીડિયો ખુબ વાયરલ થયો જેમાં પૂરપાટ ઝડપે જેગુઆર આવીને લોકોને કચડતી જોઈ શકાય છે. આ એકમાત્ર લાઈવ વીડિયો બાઈક ચાલક પ્રાંશુ જીતેન્દ્ર રૂપારેલનો હતો. બાઈક ચાલક પ્રાંશુએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે બાઈક ચલાવવાનો શોખીન હોવાથી 20મી જુલાઈની રાતે બાઈક લઈને એસજી હાઈવે પર નીકળ્યો હતો. બાઈકના સ્ટિયરિંગમાં વિડિયો લેવા માટે કેમેરો ફીટ કરેલો હતો. થારનો અકસ્માત જોતા બાઈક ધીમું કર્યું અને તે સમયે પૂરપાટ ઝડપે આવેલી જેગુઆર કારના ચાલકે સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યા. ચાલકે નીચે ઉતરીને પોતાનું નામ તથ્ય પટેલ જણાવ્યું હતું. ઘટનાના થોડા સમય બાદ મહિલા અને પુરુષ તથ્યને લેવા માટે આવ્યા હતા. તથ્યએ તેમને માતા પિતા તરીકે બોલાવ્યા હતા. એટલું જ નહીં તથ્યના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકી પણ આપી હતી.

તથ્યના ફોનથી અન્ય મિત્રોને થયા ફોન
પોલીસે એક અન્ય વ્યક્તિ શાશ્વત હિરેનભાઈ પટેલનું પણ નિવેદન લીધુ, જેમાં તેમણે કહ્યું કે તથ્ય સાથે તે શાળામાં એક વર્ષ ભણ્યો હતો. થોડા સમય પહેલા જ તથ્ય મળ્યો હતો અને નંબરની આપલે થઈ હતી. વાતચીત થતી હતી. 19મીએ મોડી રાતે તથ્યના મોબાઈલથી ફોન આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ શાન સાગર બોલે છે એમ જણાવ્યું હતું. ‘તથ્યએ બ્રિજ પર અકસ્માત કરીને ચાર પાંચ લોકોને ઉડાવી દીધા છે તુ તરત આવી જા’ એમ કહ્યું હતું. આ ઉપરાંત અન્ય લોકોને પણ તથ્યના ફોનથી ફોન કરાયા હતા.

તથ્યના મિત્રોએ તો નફ્ફટાઈની હદ વટાવી દીધી, અકસ્માત બાદ કર્યું આઘાતજનક કામ
આ કેસમાં તથ્ય ઉપરાંત તેના મિત્રોની પણ જે વર્તણૂંક સામે આવી રહી છે તે એક આઘાતજનક બાબત છે. એક સાક્ષીએ નિવેદનમાં જે વાત વર્ણવી તે જાણીને કોઈનું પણ લોહી ઉકળી જાય. તેણે કહ્યું કે, અકસ્માત બાદ તથ્યને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યારે પ્રજ્ઞેશે કારમાં રહેલા તેના મિત્રોને પરિવારને જણાવવાનું કહ્યું હતું. આર્યન, શાન, જુરમીલ સહિત કેટલાક મિત્રો ત્યારબાદ ઉદગમ ફૂડ સ્ટેશને ગયા અને ત્યાં નાસ્તો કર્યા બાદ ઘરે ગયા હતા.

અહીં ખરેખર વિચારવા જેવી વાત છે કે આ કેવી પ્રકૃતિના માણસો કહેવાય? આટલા નિર્દોષ લોકોએ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવ્યા, અનેક માતાએ પોતાના વ્હાલાસોયા પુત્રોને ખોયા, પિતાએ આધાર ગુમાવ્યા ત્યારે આ નવી નવી જુવાની ફૂટેલા યુવાઓ આટલા નફ્ફટ કેવી રીતે બની શકે?

Related Posts