Rajkot| રાજકોટ શહેરના શાંતિનગર વિસ્તારમાં આવેલા શ્યામલરાજ નામના એપાર્ટમેન્ટમાં રહેતી પ્રાર્થના પારેખ (ઉં.વ.18) નામની યુવતીએ સ્યુસાઇડ નોટ લખી પોતાના ઘરે મંગળવારના રોજ ગળાફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા સીઆરપીસી 174 મુજબ એકસીડન્ટલ ડેથ રજીસ્ટર્ડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાર્થનાએ લખેલી સ્યુસાઈડ નોટ કબ્જે કરવામાં આવી છે.
આ નોટમાં પ્રાર્થનાએ લખ્યું છે કે, “મને આજે જો એડમિશન ન મળ્યું તો હું શું કરીશ? તમને બધાને લાગે હું આખો દિવસ ખુશ રહું છું. તો મને કંઈ ટેન્શન નથી. તમારા કરતાં વધારે મને ટેન્શન છે. કારણકે ફ્યુચર તો મારું છે ને તેથી…. સોરી સોરી…” તેમજ નીચે પોતાની સહી કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છ કે, પ્રાર્થનાના પિતા વિપુલ પારેખ ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમજ મૃતક પ્રાર્થના બે બહેન તેમજ એક ભાઈમાં સૌથી મોટી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાર્થનાની માતા ખાનગી શાળામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. તેમજ ગત વર્ષે તેણીએ ધોરણ-12ની પરીક્ષા આપી હતી. પરંતુ એક વિષયમાં નાપાસ થતાં તેને થોડાક સમય પૂર્વે જ ધોરણ-12ની પૂરક પરીક્ષા આપી હતી. જેમાં તે પાસ થઈ જતા હાલ કોલેજમાં એડમિશન લેવાના પ્રયાસો કરી રહી હતી. પ્રાર્થના એડમિશન માટે પ્રયાસો કરી રહી હતી, પરંતુ એડમિશન ન મળતું હોવાના કારણે તે સતત ટેન્શનમાં રહેતી હતી.
પ્રાર્થનાને બીકોમ ઇંગ્લીશ મીડિયમમાં એડમિશન લેવું હતું. ત્યારે આજરોજ પણ પ્રાર્થના તેના પિતા સાથે કોલેજમાં એડમિશનને લગતી પ્રક્રિયા માટે જવાની હતી. ત્યારે સવારના સમયે કપડાં બદલવાનું કહી પોતાના રૂમમાં ગયા બાદ ઘણો સમય થતાં તે રૂમમાંથી બહાર ન નીકળતા પરિવારજનો દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રાર્થનાએ દરવાજો ન ખોલતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જતા પોતાની લાડકવાઈ દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. સમગ્ર મામલાની જાણ 108ની ટીમને કરતા 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસમાં યુવતીને મૃત જાહેર કરી હતી.