સુરતમાં વધુ એક અકસ્માતે 3 મિત્રોનો લીધો ભોગ, ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી ફરી રહ્યા હતા પરત

by Dhwani Modi
3 friends died in accident, News Inside

Surat| સુરતમાં એક અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. મળતી વિગતો અનુસાર, શહેરના અમરોલી વિસ્તારમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી પરત ફરતા ચાર મિત્રોને અકસ્માત નડ્યો હતો. ઓટો રિક્ષા પલટી મારી જતા તમામ ચાર મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણ મિત્રોના મોત નિપજ્યા છે, જ્યારે એક મિત્રની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. અમરોલી પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના કામરેજ વિસ્તારમાં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં એકનું મોત થયું હતું. કામરેજના ગાયપગલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર રોડની બાજુ પર ગટરમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક તેમજ ઇજાગ્રસ્ત નજીકના માંડવીના ગોદાવળી ગામના હોવાનું સામે આવ્યું હતું.

છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં રોડ પર બેફામ ડ્રાઇવિંગ અને સ્ટંટ કરનારાઓ બેફામ બન્યા છે. તાજેતરમાં જ સુરતના સરથાણામાં જીપના બોનેટ પર ચઢી સ્ટંટ કરનારા બે સગીરની પોલીસે અટકાયત કરી હતી. સરથાણા વિસ્તારમાં જીપના બોનેટ પર ચડી સગીરે સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. ત્રણ મહિના પહેલાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સ્ટંટબાજ સગીરોની અટકાયત કરી હતી. સરથાણામાં નવજીવન હોટલ પાસે પેન્ટા સ્કાય બિલ્ડિંગ પાસે એક જીપના બોનેટ પર ચઢી એક સગીર સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રીલ બનાવવાના ચક્કરમાં સુરતમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. પોલીસે જીપ માલિક અને સ્ટંટ બાજની અટકાયત કરી હતી. ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન નંબર પર કોઈ જાગૃત વ્યક્તિએ વીડિયો મોકલ્યો હતો. વીડિયોમાં ચાર યુવકો મોપેડ પર છૂટ્ટા હાથે સ્ટંટ કરી રહ્યા છે. વીડિયો નાનપુરા ખ્વાજાદા રોડનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Related Posts