સંસદમાં રાહુલ ગાંધી પર લાગ્યા ફ્લાઈંગ કિસના આરોપ, સ્મૃતિ ઈરાનીએ કહ્યું ‘આ તો ખાનદાની લક્ષણ છે’

by Dhwani Modi
Allegations made by Smriti Irani, News Inside

Parliament| કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે 9 ઓગસ્ટ અને બુધવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, પોતાનું ભાષણ પૂરું કરીને સંસદની બહાર જતી વખતે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસના ઈશારા કર્યા હતા.

રાહુલ ગાંધીએ ભાષણ બાદ કર્યું અભદ્ર વર્તન
લોકસભામાં બોલતી વખતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારા પહેલા જેમને અહીં બોલવાની તક મળી, તેમણે આજે સંસદમાં અસભ્યતાનો પરિચય આપ્યો છે. તેમણે પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ અભદ્ર વર્તન કર્યું છે. તેમણે તે સંસદમાં ફ્લાઈંગ કિસ કરી, જે સંસદમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક સ્ત્રી દ્વેષી વ્યક્તિ જ કરી શકે છે. સ્મૃતિ ઈરાનીએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં ફ્લાઇંગ કિસ આપીને ગયા, તેમણે લોકસભામાં અભદ્ર લક્ષણના દર્શન આપ્યા છે. આ તેમના ખાનદાનના લક્ષણ છે.

મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ
ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે આજે ગૃહમાં રાહુલ ગાંધીએ જે કૃત્ય કર્યું છે તે અસંસદીય છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને આ અંગેની ફરિયાદ લોકસભા સ્પીકરને કરવામાં આવશે. આ પછી મહિલા સાંસદોના એક જૂથે લોકસભા સ્પીકરને રાહુલ ગાંધીના આ કૃત્યની ફરિયાદ કરી હતી.

મોદી સરકાર પર રાહુલે કર્યા આકરા પ્રહાર
આપને જણાવી દઈએ કે, આજે સંસદના ચોમાસું સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બીજો દિવસ હતો. જેમાં રાહુલ ગાંધીએ લોકસભામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેંચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.

મહિલાએ મને જે જણાવ્યું તે સાંભળીને હું હચમચી ગયો
વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “મણિપુર રિલીફ કેમ્પમાં એક મહિલાને મેં જ્યારે પૂછ્યું કે તમારી સાથે શું થયું તો જવાબમાં મહિલાએ કહ્યું કે, મારો એકનો એક દિકરો હતો, જેને મારી આંખોની સામે ગોળી મારી દીધી, હું આખી રાત તેના મૃતદેહ સાથે સૂતી રહી અને પછી મને બીક લાગી. મેં મારું ઘર છોડી દીધું. હું બધું છોડીને નીકળી ગઈ. તેઓએ જણાવ્યું હતું કે, અન્ય એક મહિલાને મેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ મહિલા થરથર ધ્રુજવા લાગી અને પછી મારી સામે જ બેહોશ થઈ ગઈ. હજુ તો મેં ફક્ત આ બે જ ઉદાહરણ આપ્યા છે.”

મણિપુર નહીં હિન્દુસ્તાનની કરી હત્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “આ તમામે તો મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે, માત્ર મણિપુર નહીં પણ હિન્દુસ્તાનની હત્યા કરી છે, મણિપુરને નહીં હિન્દુસ્તાનને મણિપુરમાં માર્યું છે. હિન્દુસ્તાનનું મર્ડર કર્યું છે.” આટલું બોલતા જ ભાજપના સાંસદો લાલઘુમ થઈ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા હતા.

 

Related Posts