Vadodara| વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામને મહાનગરપાલિકાએ એક હજાર લેખે 25 લોકોને દંડ ફટકાર્યો છે.
નદીમાં કચરો ઠાલતા હોવાની ઉઠી હતી ફરિયાદ
વિશ્વામિત્રી નદી જાણે કે કચરાપેટી હોય તેમ લોકો બ્રિજ ઉપરથી બેફામ રીતે તેમાં કચરો ઠાલવી રહ્યા હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. જે બાદ વડોદરા મહાનગરપાલિકાની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વડોદરા મહાનગર પાલિકાની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા કાલાઘોડા બ્રિજ, રાત્રીબજાર બ્રિજ, ભીમનાથ બ્રિજ અને મંગલ પાંડે રોડ પર CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.
CCTV કેમેરાથી બ્રિજ પર નજર રખાઈ રહી હતી
આ CCTVથી નદીમાં કચરો નાખતા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. મનપાએ લગાવેલા CCTV કેમેરામાં 25 લોકો વિશ્વામિત્રી નદીમાં કચરો નાખતા નજરે પડ્યા હતા, જે બાદ તેમના વાહનની નંબર પ્લેટ પરથી આરટીઓમાંથી વાહનમાલિકની માહિતી મેળવીને મનપાની ટીમ તેમના સુધી પહોંચી હતી.
કચરો નાખતા પકડાયેલા 25 લોકોને થયો દંડ
જે બાદ મહાનગર પાલિકાની ટીમ દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે વાહનના નંબરના આધારે 25 લોકોને શોધીને 1 હજાર લેખે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જાહેરમાં થૂંકનારા પર રખાઈ રહી છે નજર
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને જાહેરમાં નહીં થૂંકવા અને રોડ પર ગંદકી નહીં કરવા સૂચના આપવામાં આવી છે.