Ahmedabad| અમદાવાદ રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદીઓ હવેથી ફરી એકવાર હેલિકોપ્ટર જોય રાઈડ માણી શકશે. રાજ્યના એવિએશન વિભાગ દ્વારા મંજૂરી મળતા આખરે 1 વર્ષના વિરામ બાદ પુનઃ જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે તમે ફરીથી હવામાં ઉડીને અમદાવાદની સફર માણી શકશો.
આજથી એરોટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર 10 મિનિટ સુધી અમદાવાદમાં હવાઈ મુસાફરી કરાવશે. આ જોય રાઈડની ફી પ્રતિ વ્યક્તિ દીઠ 2100 રૂપિયા ઉપરાંત GST રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે પુનઃ શરૂઆત સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ શાળાના 5 શ્રમજીવી પરિવારના બાળકોને મુસાફરી કરાવાઈ હતી. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્ય અને સ્કૂલ બોર્ડ સહિતના AMCના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હવે ભવિષ્યમાં આ જોય રાઈડને કોઈ મુશ્કેલી ન આવે તે માટે શાસ્ત્રોક્ત વિધિ અને શ્રીફળ વધેરી જોયરાઇડની પુનઃ શરૂઆત કરાઈ હતી.
લાંબા બ્રેક બાદ શરૂ કરાઈ હેલિકોપ્ટર જોય રાઈડ
અમદાવાદમાં જોય રાઈડ શરૂ થઇ તેને એક વર્ષ પણ પૂર્ણ નથી થયુ અને તે પહેલા જ તેના પાટિયા પડી ગયા હતા. અમદાવાદીઓ માટે ફેબ્રુઆરી મહિનામાં શરુ થયેલું હેલિકોપ્ટર જે ઉડ્યુ, તેના પછી પરત આવ્યુ જ ન હતું. અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર જઈને હેલિકોપ્ટરમાં બેસી આખા શહેરનો નજારો જોવાની મજા માણતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમની પાસે જ હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં અમદાવાદનો એરિયલ વ્યૂ બતાવવામાં આવે છે. આ રાઈડ મોટાભાગે ફુલ જ રહેતી હતી. હેલિકોપ્ટરમાંથી તમને સાતથી વીસ મિનિટ સુધી અમદાવાદનો આકાશી નજારો બતાવાતો હતો. પરંતુ અચાનક કોઈક કારણોસર આ રાઈડ બંધ કરી દેવાઈ હતી. તે હવે ફરીથી શરૂ કરવામાં આવી છે.