વીર શહીદ મહિપાલસિંહ વાળાના ઘરે ‘લક્ષ્મીજી’ પધાર્યા, પત્ની વર્ષાબાએ આપ્યો દીકરીને જન્મ

by Dhwani Modi
A daughter if martyr Mahipalsingh Vala, News Inside

Ahmedabad| દેશની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. તેમના પત્ની ગર્ભવતી હતા, અને સંતાનનું મોઢું જુએ તે પહેલા જ તેમણે શહાદત વ્હોરી હતી. ત્યારે આ શહીદના ઘરે એક નાનકડું ફુલ ખીલ્યું છે. શહીદ વીરના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામેલ જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો.

વીર જવાન મહિપાલસિંહ 27 વર્ષની નાની વયે થયા શહીદ
જમ્મુ કશ્મીરમાં આતંકી સાથે અથડામણ થતાં અમદાવાદના જવાન શહીદ થયા હતા, વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. એક શહીદને છાજે તેવી વિદાય વીર જવાનને અપાઈ હતી.

સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ અંતિમ શ્વાસ લીધા
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996ના રોજ થયો હતો. સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહે નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું. તેઓ છેલ્લે પોતાની પત્નીના સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વિરલબાનો જન્મ થયો છે. શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી. ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક બની રહી હતી.

વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારે આ દીકરીને વિરલબા નામ આપવામાં આવ્યું છે. મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા. વર્ષાબાએ વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો. ત્યારે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો.

પરિવારે જણાવ્યું કે, જો દીકરી મોટી થશે અને તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો અમે તેને મોકલીશું. પતિને ગુમાવનાર વર્ષાબાએ પતિના અંતિમ વિદાય વખતે કહ્યુ હતું કે, જો તેને પુત્ર જન્મશે તો તેને ભારતીય સેનામાં મોકલશે. આમ, ચાર દિવસ પહેલા જે પરિવારે દીકરો ગુમાવ્યો, તે વાળા પરિવારને ઘરે ફુલ જેવી દીકરીની ભગવાને ભેટ આપી છે.

Related Posts