પુત્રી જ બની પિતાની હત્યારી, એવું તો શું બન્યું કે પુત્રીએ પિતાને ચાકુના ઘા ઝીંકી દીધા

by Dhwani Modi
19 years old daughter killed her father, News Inside

Kishangadh, Punjab| પંજાબમાં એક 19 વર્ષની યુવતીએ તેના જ પિતાની ચાકુ મારીને હત્યા કરી નાખી. આ બનાવ કિશનગઢ ગામનો છે. જ્યાં આરોપી પુત્રીની ધરપકડ કરીને તેની સામે પિતાની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પુત્રી આશા દસમું પાસ છે અને ઘરે સિલાઈ કામ કરતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક સુમાઈ દારૂ પીને રોજ તેના પરિવારના સભ્યો સાથે મારપીટ કરતો હતો, હત્યાના બે દિવસ બાદ આરોપી પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.

પાડોશીએ ખોલ્યો હત્યાનો રાજ
કિશનગઢ ગામમાં મૃતક સુમાઈના પડોશમાં રહેતા એક વ્યક્તિએ પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. તેણે જણાવ્યું કે, 9 ઓગસ્ટે રોજની જેમ તે પાડોશમાં રહેતા સુમાઈના ઘરે ઠંડુ પાણી લેવા ગયો હતો, કારણ કે તેના ઘરમાં ફ્રીજ નથી. જ્યારે તે સુમાઈના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની પુત્રી આશા લોહીથી લથપથ પિતાની છાતી પરના ઘા અને લોહી સાફ કરી રહ્યી હતી. તો, બીજી બાજુ આખો પરિવાર બેસીને રડી રહ્યો હતો. જ્યારે તેણે પૂછ્યું કે સુમાઈને શું થયું છે, ત્યારે તેની પુત્રી આશાએ કહ્યું કે, તે તેની સાઈકલ પરથી પડી ગયા હતા અને તેના કારણે ઇજા થઇ છે. ત્યારબાદ તે અન્ય લોકોની મદદથી પિતા સુમાઈને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.

ગુસ્સામાં આવીને છાતી પર હુમલો કર્યો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, સુમાઈને છાતીમાં ચાકુ મારવામાં આવ્યું હતું. જેના કારણે તેનું મોત થયું હતું. પાડોશીની ફરિયાદના આધારે જ્યારે સુમાઈની પુત્રીની પોલીસે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેના પિતા રોજ દારૂ પીને ઘરે આવતા હતા અને આખા પરિવાર સાથે ઝઘડો અને મારપીટ કરતા હતા. જેના કારણે આખો પરિવાર તેમનાથી નારાજ હતો. 9 ઓગસ્ટના રોજ પણ તેના પિતા સુમાઈ દારૂના નશામાં ઘરે આવ્યા હતા અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. આશાએ જણાવ્યું કે, તે સમયે તે રસોડામાં હતી અને ડુંગળી કાપી રહી હતી, તેના હાથમાં છરી હતી. પિતા સાથે ઝપાઝપી થતાં તેણે ગુસ્સામાં પિતાને છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે આશાના પરિવારનું કહેવું છે કે, તેણે જાણી જોઈને હત્યા નથી કરી પરંતુ ઝપાઝપીમાં છરી લાગી ગઇ હતી.

Related Posts