Rajkot| રંગીલા રાજકોટ શહેરમાં ફરીથી સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સાસુ-સસરા પુત્ર અને પુત્રવધૂની અંગતપળોનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકીને રૂપિયા કમાતા હતા. પુત્રવધૂએ તેના જ સાસુ-સસરા પર આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ ઉપરાંત સસરા અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને તેના પર દોરા ધાગા પણ કરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે.
સાસુ-સસરા અને પતિની ધરપકડ
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યુ કે, “બાળકને જન્મ નહીં આપે તો તારા પતિનું મોત થશે” તેના સસરા તેને આમ કહેતા હતા. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પીડિતાની ઉંમર માત્ર 21 વર્ષ
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ પીડિતા 21 વર્ષની છે. આ યુવતીને તેના સાસુ-સસરા પતિ સાથે અંગત પળો માણવા માટે મજબૂર કરતા હતા. આ અંગત પળોનો વીડિયો સાસુ અને સસરા સોશિયલ મીડિયા પર મુકીને ક્રિપ્ટોકરન્સીથી રૂપિયા કમાતા હતા. આની જાણ થતા યુવતીએ અનેકવાર વિરોધ કર્યો હતો. પરંતુ આ લોકો પીડિતા પર બાળકને જન્મ આપવા અંગે દબાણ કરતા હતા.
બેડરૂમમાં પણ લગાવાયા હતા CCTV કેમેરા
આ અંગે એવી પણ માહિતી મળી રહી છે કે, પરિણીતાને પહેલા તો સાસુ-સસરાએ ખોટી લાગણીમાં ભોળવીને રુપિયા માટે આ બધુ કરવાનું કહ્યુ હતુ. આવા વીડિયોમાં તેની ઓળખ છતી નહીં થાય તેમ પણ કહેવામાં આવ્યું હતુ. પરંતુ વારંવાર આ ત્રાસ બાદ પુત્રવધૂએ વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ પછી તેને મારી નાંખવાની ધમકી આપીને આવા વીડિયો ઉતારવામાં આવતા હતા. પીડિતાના બેડ રૂમમાં પણ CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. તેના સાસુ સસરા પરિણીતાને વારંવાર અભદ્ર વ્યવહાર કરવાનું કહેતા હતા.