Fire Broke-out| અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ અવધ આર્કેડમાં આગ લાગતા કેટલાક લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી. મ્હીઈને પગલે ફાયરબ્રિગેડના 10 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અવધ આર્કેડમાં લાગેલી આગમાં ફસાયેલા લોકોએ સ્વયંભૂ છલાંગ લગાવી પોતાનો બચાવ કર્યો હતો. બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગતા આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાયો હતો. જેના બાદ ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત 4 લોકોના રેસ્ક્યુ કરાયા છે. ફાયરબ્રિગેડ દ્વારા પહેલા માળે બારીનો કાચ તોડીને ધુમાડાનો નિકાલ કરાયો હતો.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ફાયર વિભાગને અવધ હોટલની લિફ્ટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. પરંતું અહી આવતા જોયુ કે, બેઝમેન્ટમાં આગ લાગી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ આગ બાદ આખી બિલ્ડીંગ ધુમાડાની ઝપેટમાં આવી હતી. આ આગ કયા કારણોસર લાગી હતી, તે હજી જાણી શકાયુ નથી. પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સીડી પહેલા માળ સુધી લાંબી કરીને ફાયર બિગ્રેડના જવાનો અંદર ગયા હતા, ફાયરના જવાનો દ્વારા ધુમાડા વચ્ચેથી લોકોને બચાવવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઈમારતમાં માત્ર હોટલ જ નહિ, પરંતુ કેટલાક કારના શો રૂમ, દુકાનો, રેસ્ટોરન્ટ પણ આવેલી છે. જેથી આખા કોમ્પ્લેક્સમાં અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડીંગમાંથી ધુમાડો બહાર નીકળી શકે તે માટે કાચ તોડવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ ધુમાડો દૂર કરવાની કામગીરી ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવી હતી.
અવધ આર્કેડમાં લાગેલી આગમાંથી ચાર લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સદ્ નસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાને પગલે આખી બિલ્ડીંગ ખાલી કરાવી દેવાઈ હતી. ઈમારતમાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પણ સલામત રીતે બહાર કઢાયા હતા. જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.