Jamnagar| વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનો આંતરિક કલેશ સાવ સપાટી પર આવી ગયો છે. ભાજપમાં રોજ યાદવાસ્થળીનો કોઈકને કોઈક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આજે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો. આજે ફરી એકવાર જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા છે. જ્યાં જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુ-તુ મૈં-મૈં જોવા મળી હતી . આ જાહેર કાર્યક્રમમાં સંખ્યાબંધ કાર્યકરો અને સ્થાનિકો હાજર હતા. જાહેર મંચ પર, જાહેર કાર્યક્રમમાં કોઈક વાતે બાજી બગડતા ધારાસભ્ય રિવાબાએ સાંસદ પૂનમ બેનને લોકોની સામે ખરી ખોટી સંભળાવી દીધી.
સાંસદ પૂનમ માડમ પર ધુઆંપુઆં થયા ધારાસભ્ય રિવાબા જાડેજા!
વાત જાણે એમ બની હતી કે, જામનગરના પ્રખ્યાત લાખોટા તળાવ પાસે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા એક સાથે એક મંચ પર હતાં. આ સમયે જામનગરના મેયર પણ આ મંચ પર હાજર હતા. અચાનક મંચ પર માહોલ બગડ્યો. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે અચાનક કોઈક વાતે બોલાચાલી થઈ. જોતજોતામાં મામલો સખત ગરમાઈ ગયો. જેમાં ભાજપના જ ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપના જ સાંસદ પૂનમ માડમ પર સખત ગુસ્સે ભરાયા. પબ્લિક અને કાર્યકરોની હાજરીમાં જ સાંસદ પૂનમ માડમ પર ધુઆંપુઆં થઈ ગયા ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા.
ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની જ પાર્ટીના પોતાનાથી સિનિયર એવા સાંસદ પૂનમ માડમને ખરીખોટી સંભળાવી દીધી. આ ઘટનાનો વીડીયો પણ હાલ સામે આવ્યો છે. જેમાં રિવાબા જાડેજા ખુબ જ ગુસ્સે થઈને સાંસદ પૂનમ માડમને એવું કહેતા દેખાઈ રહ્યાં છે કે, ‘ચૂંટણીમાં પણ આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું.’
ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી તથા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. શહેર ભાજપ ધારાસભ્ય રિવાબા જાડેજા ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યા. ત્રણ મોટા મહિલા નેતાઓ વચ્ચે થોડા સમય માટે શાબ્દિક યુદ્ધ છેડાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.