પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધાઓ ઉભી કરાઈ

by Dhwani Modi
Facilities created by Somnath Trust, News Inside

Somnath Temple| હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતો અને શિવભક્તોનો અતિપ્રિય એવો શ્રાવણ મહિનો આજથી 17 ઓગસ્ટથી શરૂ થયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પણ માનવ મહેરામણ ઉમટ્યું છે. રાજ્ય અને રાજ્ય બહારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં ભક્તો સોમનાથ દાદાના દર્શન શાંતિથી કરી શકે તે માટે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઈ વિવિધ સુવિધા
શ્રાવણ માસમાં લાખો ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે આવતો હોય છે, આ વખતે ગત વર્ષ કરતા પણ વધારે ભક્તો આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રહેવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.

વિશેષ બિલ્વ પૂજા સેવા માત્ર રૂ.21માં થશે
શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા સોમનાથ દાદાની પૂજા કરાવી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સુવિધા ઉભી કરાઈ છે. સોમનાથ મંદિરમાં ભક્તો ઘરે બેઠા રૂ.21માં ઓનલાઈન બિલ્વપૂજા નોંધાવી શકે છે. આ માટે એક ક્યૂઆર કોડ પણ બનાવાયો છે, જેને સ્કેન કરીને ભક્તો પોતાની પૂજા ઓનલાઈન નોંધાવી શકે છે. શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપૂજા કર્યાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોએ નોંધાવેલા એડ્રેસ પર પ્રતિ બિલ્વ પૂજા માટે બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.

હેલ્પ ડેસ્ક બનાવાયું
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે, જે યાત્રીઓની મદદ કરવાના હેતુથી માર્ગદર્શન પૂરું પાડશે. મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાવવામાં આવ્યા છે. જેથી યાત્રીઓને તડકા કે વરસાદની સ્થિતિમાં કોઈ અગવડ ન પડે. પ્રવેશ અને નિકાસ બન્ને રસ્તે શ્રધ્ધાળુઓને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીના પરબ પણ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.

 

ભક્તો ઘરે બેઠા મહાઆરતીનો ઉઠાવી શકશે લાભ
શ્રાવણ માસ દરમિયાન ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી નિયમિત દર્શન કરી શકે, ઉપરાંત મહાઆરતીનો લ્હાવો ઉઠાવી શકે તે માટે પણ ટ્રસ્ટ દ્વારા સુવિધા શરૂ કરાઈ છે. ભક્તો સોમનાથ મંદિરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી નિયમિત દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે છે.

Related Posts