હાર્ટ એટેકે વધુ બે ગુજરાતીઓનો લીધો ભોગ, વડોદરામાં વિદ્યાર્થી તો રાજકોટના ટાઉન પ્લાનરનું હાર્ટ એટેકથી થયું મોત

by Dhwani Modi
Two more Gujaratis died of heart attack, News Inside

Heart Attack| છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે, જ્યારે વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.

No description available.

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મૃત્યુ
રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટે એટેક આવતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી પટેલની એક સપ્તાહ પહેલા જ બદલી થઈ હતી. ત્યારે હવે તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વડોદરામાં દીપ ચૌધરી નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
અન્ય એક બનાવ વિશે વાત કરીએ વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોય્સ હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલના મિત્રો તેને SSG હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

ગાંધીનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું હતું મોત
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ જ ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી (ઉં.વ 21) ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત 9 ઓગસ્ટે ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તણાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે. જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે.

Related Posts