Mahesana| મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં 15મી ઓગસ્ટના રોજ, આઝાદી દિનની ઊજવણી થઇ રહી હતી, તેમાં વર્ષ 2023માં ધોરણ-10માં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ વખતે પ્રથમ નંબરે પાસ થનારનું નામ જાહેર થવાને બદલે બીજા ક્રમાંકે પાસ થનારનું નામ પ્રથમ ક્રમાંક પર બોલાયું! આ સમયે ધોરણ-10માં પ્રથમ ક્રમાંકે પાસ થનાર અરઝનાબાનુ સિપાઈ શાળામાં હાજર હતી, ગામ સમક્ષ પોતાનું સન્માન ન થવાથી અરઝનાબાનુ રડી પડી! તે રડતી રડતી પોતાના ઘરે પહોંચી હતી. તેણે તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી.
મહેસાણના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં ધોરણ-10માં પ્રથમ નંબર પર આવેલી મુસ્લિમ વિદ્યાર્થિનીની બાદબાકી કરી દેતા વિવાદ ઉઠ્યો છે. ઈનામ વિતરણમાં મુસ્લિમ વિદ્યાર્થિનીની બાદબાકી કરીને બીજા નંબરની વિદ્યાર્થીનીનું સન્માન કરાયુ હતું. ખેરાલુના લુણવા ગામની શ્રી કેટી સ્મૃતિ વિદ્યા વિહારની આ ઘટના છે. જેમાં 15 ઓગસ્ટના રોજ પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય અનિલ પટેલ દ્વારા બીજા ક્રમે આવનાર વિદ્યાર્થિનીને પ્રથમ ક્રમ આપી દેવાયો હતો. જોકે, બીજી તરફ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર અરઝનાબાનું સિપાઈ રડતી રડતી ઘરે પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
દીકરી રડતા રડતા ઘરે પહોંચતા તેણે માતાપિતાને આ વાતની જાણ કરી હતી. આ બાદ વાલીએ પ્રિન્સીપાલ અનિલ પટેલનો સંપર્ક કર્યો હતો, જેથી તેઓએ ટ્રસ્ટી બિપીન પટેલનો સંપર્ક કરવા જણાવીને પોતે જવાબ આપ્યો ન હતો. પરંતુ દીકરી સાથે કરાયેલા આવા વ્યવહારને કારણે વાલી સનેવરખાને આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો.
આ વિશે અરઝનાબાનુંએ મીડિયા સામે જણાવ્યું કે, શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે ઈનામ વિતરણનો કાર્યક્રમ હતો. તેમાં શાળામાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. પણ મને ઈનામ ન મળ્યું. પરંતુ જે બીજા ક્રમે હતું, તેને પ્રથમ ક્રમાંક બતાવીને ઈનામ અપાયું. આવો ભેદભાવ કેમ કરાયો તે વિશે અરઝનાબાનુંએ જણાવ્યું કે, મારે સાયન્સ લેવુ હતું, તેથી હું બીજી સ્કૂલમાં ગઈ હતી. આ સ્કૂલમાંથી કેમ ગયા તેવુ કહીને ઈનામ ન આપ્યુ. અમે જાણ કરી તો કહેવાયું કે, ટ્રસ્ટીને પૂછો. ટ્રસ્ટીને પૂછ્યુ તો કહે છે કે, સ્ટાફે અંદર મળીને આ કર્યું છે. મારો પ્રથમ ક્રમ હોવા છતા મને પ્રથમ ક્રમે નંબર ન આપ્યો.