Sabarkantha| છેલ્લા કેટલાક સમયથી શિક્ષણધામમાં નૈતિકતાના પાઠ શીખવનારા શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ સાથે શારીરિક છેડછાડ સહિત માનસિક ત્રાસની ફરિયાદો સામે આવી રહી છે. તેવામાં સાબરકાંઠાના પોશીના તાલુકાના સાધુફળા પ્રાથમિક શાળા ચર્ચામાં આવી છે. શાળાના આચાર્ય દ્વારા સગીર વયની દીકરી સાથે છેડછાડ કરાયાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. સ્વતંત્રતા દિવસની આગલી સાંજે શાળાના સફાઈકામ દરમિયાન શાળાના આચાર્ય પરિમલ ખરાડીએ સફાઈ કામદારની દીકરી સાથે શારીરિક છેડછાડ કરી હતી.
10 હજાર રૂપિયા આપી કાંડ દબાવી દેવા પ્રયાસ
જેના પગલે દીકરીએ બૂમાબૂમ કરતા તેના પિતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ પરિમલ ખરાડીએ છેડતી કર્યા બાદ સગીરાના પિતાને 10 હાજર રૂપિયા આપવાની લાલચ આપીને કાંડ દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરાના પિતાએ પોશીના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. હાલ પોલીસે આરોપીને દબોચી લીધો છે.
જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો
સાબરકાંઠાના પોશીના તાલુકાના સાધુફળા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પ્રાથમિક શાળામાં સફાઈ કામદારની દીકરી ઉપર નજર બગાડી શારીરિક છેડછાડ કરાયાનો ગુનો નોંધાયો છે. જેમાં પ્રાથમિક શાળાના સફાઈકામ દરમિયાન આચાર્યએ સફાઈ કામદારની દીકરી સાથે અડપલાં કર્યા હતા. બાદમાં દીકરીએ ગભરાઈ જઈને બૂમાબૂમ કરી મુકતા પિતાએ તપાસ આદરી હતી. જેમાં આરોપી આચાર્યે 10,000 રૂપિયા આપવાનું કહી પોતાનો કાંડ દબાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો.બાદમાં પિતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આચાર્ય શિક્ષકની આજે અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કર્યો છે. ઈડર કોર્ટ ખાતે આરોપીની ધરપકડ કરી તેની રજૂઆત કરાયા બાદ કોર્ટના નિર્ણયના આધારે આરોપી સામે પગલાં લેવાશે.