પતિએ FDમાં ભાણીનું નામ લખાવતા પત્નીને આવ્યો ગુસ્સો, મધરાતે પતિ પર છરીના ઘા ઝીકી કર્યો જીવલેણ હુમલો

by Dhwani Modi
The wife stabbed her husband, News Inside

Ahmedabad| શહેરમાં અવારનવાર પતિ-પત્ની વચ્ચેના ઝઘડા સામે આવતા હોય છે. તો ઘણીવાર હત્યાનો મામલો પણ સામે આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તારથી સામે આવી છે. જેમાં પતિએ પોસ્ટમાં એફડીનું ખાતું ખોલાવ્યું હતું અને તેમાં બહેનની દીકરી એટલે કે ભાણીનું નામ લખાવતા પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. ત્યારે રાતે પતિ સૂઈ ગયો તે સમયે પત્નીએ ચપ્પા વડે પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પતિએ પત્ની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, રામોલ વિસ્તારમાં રહેતા બિપીનભાઈ પાટીલ વેલ્ડિંગનું કામકાજ કરે છે. થોડાં દિવસો અગાઉ પોસ્ટ ઓફિસમાં એફડીનું ખાતું ખોલાવ્યું હતું. જેમાં પોતાની ભાણી કશિષનું નામ લખાવ્યું હતું. આ બાબતે ગતરાત્રિએ પતિ અને પત્ની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદ સમગ્ર પરિવાર સૂઈ ગયો હતો. ત્યારે રાત્રિના સમયે તકનો લાભ લઈને પત્નીએ મારું નામ એફડીમાં કેમ ન લખાવ્યું તેમ કહીને પતિ ઉપર છરી વડે હુમલો કરી દેતા બિપીનભાઈ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પતિએ પત્ની અર્ચના પાટીલ વિરુદ્ધ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મકાન વેચવાને નામે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી
બીજી બાજુ અમદાવાદમાં જ નરોડાના વેપારી સાથે ત્રણ વ્યક્તિએ મકાન વેચવાનું કહીને 72 લાખ રૂપિયા લઈ લીધા હતા. પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નહોતો. આટલું જ નહીં, આ મકાન નથી વેચવું તેમ કહીને રૂપિયા પરત આપવાનું જણાવ્યું હતું. પરંતુ તપાસ કરતા તે મકાન અન્ય વ્યક્તિને વેચી નાખ્યું હતું અને રૂપિયા પણ પરત ન આપીને ઠગાઇ આચરી હતી. આ અંગે વેપારીએ ત્રણ ગઠિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મકાન વેચી નાંખી પૈસા પરત ન આપ્યાં
નરોડામાં રહેતા અભિમન્યુ ઠાકોર મૂવિ મેકિંગ અને ટ્રાવેલ્સનું કામ કરે છે. ત્યારે અગાઉ તેઓ વડોદરા રહેતા હતા તે સમયે તેમની પાડોશમાં સરોજ મિસ્ત્રી, કેતન મિસ્ત્રી અને પાર્થ મિસ્ત્રી રહેતા હતા. વર્ષ 2014માં પાર્થ મિસ્ત્રી આર્કિટેક્ટનો અભ્યાસ કરતો હોવાથી રૂપિયાની જરૂરિયાત ઉભી થતા વડોદરાનું મકાન તેમણે અભિમન્યુ ઠાકોરને વેચવાની વાત કરી હતી. જેથી અભિમન્યુએ તે મકાન 72 લાખ રૂપિયામાં ખરીદવાનું નક્કી કર્યુ હતું. તે સમયે મકાનનો વેચાણ કરાર અને ડિક્રેશન કરાર પણ કરી આપ્યો હતો. ત્યારબાદ સરોજ મિસ્ત્રી, કેતન મિસ્ત્રી અને પાર્થ મિસ્ત્રીએ તે મકાન નથી વેચવું કહીને રૂપિયા પરત આપી દઇશું તેમ કહીને કરાર કરીને કોરા ચેક આપ્યા હતા. તે બાદ અભિમન્યુએ તપાસ કરતા મકાન તેમણે અન્ય વ્યક્તિને વેચી નાખ્યું હતું અને રૂપિયા પરત ન આપીને 72 લાખની ઠગાઇ આચરી હતી. આ અંગે અભિમન્યુએ નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Posts