Rajkot| સામાન્ય નાગરિકો સાથે ક્રાઈમ થાય તો તેઓ વકીલ મારફતે કોર્ટના દરવાજા ખખડાવી ન્યાયની માંગણી કરતા હોય છે. પરંતું અહી તો શિકારી ખુદ યહા શિકાર હો ગયા જેવી સ્થિતિ બની છે. રાજકોટના વકીલો જ સાઈબર ફ્રોડનો ભોગ બન્યા છે. રાજકોટમાં દસ્તાવેજ નોંધણીમાં 35 વકીલોના બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપડી ગયા છે. બાયોમેટ્રિક મશીનથી અંગૂઠાની છાપ આપ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા ઉપડ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમને જાણ કરવામાં આવી કે રજીસ્ટ્રેશનની સિસ્ટમ જ હેક થઈ ગઈ હતી. સાઇબર ક્રાઇમના એસીપીને લેખિતમાં વકીલોએ જાણ કરી છે.
બન્યું એમ હતું કે, રાજકોટના રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિયેશન સાથે સંકળાયેલા 35 વકીલોના ખાતામાંથી માત્ર 20 થી 25 દિવસમાં 3.50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ બાદ વકીલો દોડતા થયા હતા. વકીલો સબ રજિસ્ટ્રાર કચેરીએ દોડતા ગયા હતા. સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી જ આધાર કાર્ડનો ડેટા લીક થયો હોવાની શંકા છે.
એકસાથે 35 જેટલા વકીલોના ખાતામાંથી રૂપિયા ઉડી ગયા હતા. આમ, એકસાથે આટલા બધા વકીલો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તેવો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે. સાયબર ક્રાઈમ ગઠીયાએ તમામ વકીલોના ખાતામાંથી 10 હજારથી ઓછી રકમ ઉપાડી છે. જેથી તેને OTPની જરૂર ન પડે. પરંતુ 35 વકીલોની રકમનો આંકડો ભેગો કરીએ તો કુલ 3.50 લાખ રૂપિયાની મોટી રકમ થાય છે. કારણ કે, ગઠિયાએ 10 હજાર કરતા ઓછી રકમ ઉપાડતા બેંકે OTP માંગ્યો જ નહતો.
રાજકોટમાં સબ રજીસ્ટ્રાર ઓફિસમાં ફિંગર પ્રિન્ટ મૂકતા જ વકીલોના બેંક ખાતામાંથી રૂપિયા કપાયા હતા. દસ્તાવેજમાં સાક્ષી વકીલ દ્રારા ફિંગરપ્રિન્ટ મૂકતાની સાથે જ વકીલના ખાતામાંથી 9,999 જેટલી રકમ કપાઈ ગઈ હતી. શહેરમાં 35થી વધુ વકીલોના બેંક ખાતામાંથી આ રકમ ગાયબ થઈ છે. રેવન્યૂ બાર એસોસિએશન દ્રારા સાયબર ક્રાઇમ પોલીસને આ મામલે ફરિયાદ કરાઇ છે. ત્યારે રૂપિયા કઇ રીતે કપાયા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ ઘટના સાયબર ચાંચિયાઓની છેતરપિંડી છે કે કોઇ ટેક્નિકલ ક્ષતિ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ગઠીયાએ વકીલોના આધાર કાર્ડના ડેટાનો ઉપયોગ કરીને ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. ગરવી 2.0 સરકારી પ્રોગ્રામના ડેટા લીક થયાની અથવા હેક થયાની પોલીસને શંકા છે. ગઠિયાએ માત્ર 20 થી 25 દિવસમાં અલગ અલગ લોકેશનથી નાણાં ઉપાડ્યા હતા.
ત્યારે આ મામલે પોલીસ તથા વકીલોએ તપાસ શરૂ કરી છે. જેમાં સંખ્યાબંધ લોકોને આ ગઠિયાએ શિકાર બનાવ્યા હોય તેવું સામે આવ્યું છે.