Fatal Accident in Uttarakhand| ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગુજરાતી યાત્રિકો ભરેલી બસને ગઈ કાલે 20 ઓગસ્ટના રોજ ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ભાવનગર અને સુરતના યાત્રાળુઓથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કુલ 7 મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાની જાણકારી મળી છે. જ્યારે 28 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ અને એનડીઆરએફ સહિતની તમામ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બસમાં સુરતના 3 યાત્રી, ભાવનગરના 8 યાત્રી, તળાજા-ત્રાપજ-કઠવાના 16 યાત્રી અને મહુવાના 2 યાત્રી સવાર હતા. ખીણમાં ખાબકેલી બસ ભાવનગરમાં આવેલી શ્રી હોલિડે ટ્રાવેલ્સની બસ હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માત વખતે બસમાં કુલ 35 જેટલા મુસાફરો હતા. તેમાંથી કુલ 7 મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 લોકોના નામ
ગણપત રાય મહેતા (ઉં.વ.61)
દક્ષાબેન મહેતા (ઉં.વ.57)
મીનાબેન ઉપાધ્યાય (ઉં.વ.51)
રાજેશ મેર (ઉં.વ.40)
ગીગાભાઈ ભામર (ઉં.વ.40)
અનિરુદ્ધ જોશી (ઉં.વ.35)
કરણજીત ભાટી (ઉં.વ.29)
બસમાં સવાર ભાવનગરના યાત્રીમાંથી 9 મહિલા અને 23 પુરુષ હતા.
હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
ગુજરાત સરકારે પણ હેલ્પલાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે. તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે. ઉત્તરાખંડ રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે, પ્રાથમિક માહિતી પ્રમાણે બસમાં સવાર 7 ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 28 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.
ઉત્તરાખંડ રાજ્યના SDRFની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.
ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.