Vadodara| ક્યારેક બાળકો રમત રમતમાં એવું કંઈક કરી દે છે કે જેનાથી માતાપિતા ટેન્શનમાં આવી જતા હોય છે. ગુડગાંવથી વડોદરા પરીક્ષા આપવા આવેલા દંપતીને પણ ખબર ન હતી કે, તેમની ચાર વર્ષની દીકરી રેલવે સ્ટેશન પર રમતમાં એવુ કંઈ કરશે જેનાથી આખું તંત્ર દોડતું થઈ જશે. સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ આપવા વડોદરા આવેલા દંપતીની ચાર વર્ષની દીકરીએ રેલવે સ્ટેશન પર સ્ટીલના બાંકડામાં આંગળી એવી ફસાવી હતી કે, દોડધામ મચી ગઈ હતી. ઉપરથી પરીક્ષા આપવા આવેલા માતાપિતાને હોસ્પિટલમાં દીકરીની સર્જરી દરમિયાન પરીક્ષા આપવી પડી હતી.
દિલ્હીના ગુડગાંવમાં રહેતા મનોજ તિવારી અને પત્ની આંચલ તિવારી તેમની 4 વર્ષની દીકરી તનીસ્થા સાથે સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ આપવા વડોદરા આવ્યા હતા. દંપતી વડોદરા રેલવે સ્ટેશનના જનરલ વેઈટિંગ લાઉન્જમાં બેઠા હતા. ત્યારે તેમની દીકરી તનીસ્થા બાંકડા પર રમતી હતી. રમત રમતમાં તેના હાથની પહેલી આંગળી બાંકડાના કાંણામાં ફસાઈ ગઈ હતી.
આ બાદ તો જોવા જેવી થઈ હતી. માતાપિતાએ બહુ પ્રયાસો કર્યા છતા દીકરીની આંગળી કાંણામાંથી બહાર ન આવી શકી. તેથી રેલવે તંત્રને જાણ કરાઈ હતી. તેમનાથી પણ કંઈ ન થતા ફાયર બ્રિગેડને કોલ કરાયો હતો. બીજી તરફ, કાંણામાં આંગળી ફસાઈ જતા દીકરીની આંગળી લોહીલુહાણ થઈ ગઈ હતી. તેમજ બાંકડાનું પતરુ પણ જાડું હોવાથી ફાયર બ્રિગેડની ટીમ માટે બાળકીની આંગળી બહાર કાઢવી મોટી ચેલેન્જ હતી.
બીજી તરફ, રડી રડીને બાળકીના હાલ બેહાલ થઈ ગયા હતા. તો માતાપિતા પણ ટેન્શનમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડની આ ચેલેન્જ વચ્ચે આખરે પતરુ કાપવુ પડ્યુ હતું. આંગળીની આસપાસનું પતરુ કાપીને બાળકીને તાત્કાલિક SSG હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને પતરા સાથે જ SSG હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીને SSG હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં લઈ જવાઈ હતી. જ્યાં સર્જરી કરીને બાળકીની આંગળીનું ઓપરેશન કરાયું હતું. પાંચ કલાકની ભારે જહેમત બાદ ઓપરેશન કરી બાળકીની આંગળી બહાર કઢાઈ હતી.
બાળકીને હોસ્પિટલમાં લઈ જવાતા માતાપિતા જે હેતુથી વડોદરા આવ્યા હતા, તેનું ટેન્શન થયું હતું. જેથી આ માટે પણ ફાયરબ્રિગેડની ટીમ મદદે આવી હતી. પતિ પત્નીને પરીક્ષા અપાવવામાં મદદ કરી હતી. પુત્રીની સર્જરી દરમિયાન પિતાએ ઓનલાઇન તેમજ માતાએ કેન્દ્ર પર જઈ પરીક્ષા આપી હતી.
આ ઘટના વિશે બાળકીના પિતા મનોજ તિવારીએ જણાવ્યું કે, હું ટુ વ્હીલરની કંપનીમાં હાલોલ પ્લાન્ટમાં નોકરી કરતો હતો ત્યારે પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું, જેથી વડોદરા સેન્ટર પસંદ કર્યું હતું. 2 માસ પૂર્વે ગુડગાંવ બદલી થઈ હતી. મારે એમબીએની ઓનલાઇન પરીક્ષા હતી, મારી પત્નીની પરીક્ષાનું વડોદરાના સમા ખાતે કેન્દ્ર હતું. નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસમાં સવારે 4 વાગે વડોદરા આવ્યા બાદ અમે વાંચતા હતાં તે દરમિયાન ઘટના બની હતી. રેલવે દ્વારા કર્મીઓ ન હોવાથી મહામુસીબતે તેમને બોલાવ્યા હતા. લાંબા સમય બાદ રેલવેના ડોક્ટર આવ્યા હતા. આવી જોખમી બેન્ચ બદલવી જોઈએ. મેં હોસ્પિટલમાંથી જ ઓનલાઇન પરીક્ષા આપી હતી.