વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા જવા રવાના, જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી BRICS સમિટમાં લેશે ભાગ

by Dhwani Modi
pm Modi leaving for BRICS, News Inside

BRICS summit| દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આજથી ‘BRICS સમિટ’ શરૂ થઈ રહી છે. કોરોના પછી પહેલીવાર BRICS દેશોની બેઠક ઓફલાઈન યોજાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જોહાનિસબર્ગ પહોંચી ચૂક્યાં છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી BRICSમાં સામેલ થવા માટે દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત પણ થઈ શકે છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલાથી જ આ બેઠકમાં આવવાની મનાઈ કરી ચૂક્યા છે.

PM મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી
જોહાનિસબર્ગ જતા પહેલા PM મોદીએ ટ્વીટ કર્યું કે, “દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર હું 22-24 ઓગસ્ટ 2023 સુધી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરી રહ્યો છું.”

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
સાઉથ આફ્રિકા(દક્ષિણ આફ્રિકા) જવા રવાના થતાં પહેલાં PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, “જોહાનિસબર્ગમાં આયોજિત BRICS સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા જવા રવાના. હું બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ ઇવેન્ટ્સમાં પણ ભાગ લઈશ. સમિટ ગ્લોબલ સાઉથ અને વિકાસના અન્ય ક્ષેત્રો માટે ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પ્લેટફોર્મ આપશે.”

25 ઓગસ્ટે ગ્રીસ જશે વડાપ્રધાન મોદી
આપને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેઓ બ્રિક્સ ઉપરાંત દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે. દક્ષિણ આફ્રિકાની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી 25 ઓગસ્ટે ગ્રીસ જવા રવાના થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે એથેન્સની મુલાકાત લઈશ. આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ યાત્રા હશે. 40 વર્ષ પછી ગ્રીસનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હોવાનું મને સન્માન પ્રાપ્ત થયું છે.”

BRICS શું છે?
BRICS એ વિશ્વની પાંચ સૌથી ઝડપી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. વિશ્વના GDPમાં આ દેશોનો હિસ્સો 31.5% છે. BRICSમાં B એટલે બ્રાઝિલ, R એટલે રશિયા, I એટલે ઇન્ડિયા, C એટલે ચીન અને S એટલે સાઉથ આફ્રિકા. આ દેશોમાં વિશ્વની 41 ટકાથી વધુ વસ્તી રહે છે. વૈશ્વિક કારોબારમાં તેમનો હિસ્સો 16 ટકા છે.

Related Posts