Sunny Deol on Election| આજકાલ સમગ્ર દેશમાં બોલીવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ ગદર-2ની જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ઝડપથી 500 કરોડ ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. ત્યારે જણાવવાનું કે સની દેઓલ અભિનેતા હોવાની સાથે સાથે પંજાબના ગુરુદાસપુરથી સાંસદ પણ છે. સની દેઓલ ભાજપમાંથી સાંસદ બનેલા છે. આ વચ્ચે સની દેઓલે એક ઈન્ટરવ્યુમાં તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે કે નહીં તેના પર મોટું નિવેદન આપ્યું છે. સની દેઓલને જ્યારે આ અંગે સવાલ પૂછાયો તો તેમણે શું કહ્યું તે ખાસ જાણો.
સની દેઓલ લોકસભા ચૂંટણી લડશે કે નહીં?
સની દેઓલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ આગામી ચૂંટણી લડશે નહીં. તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહીં બને. ભાજપના સાંસદ સની દેઓલે કહ્યું કે, તેમને એવું લાગે છે કે તેઓ અભિનેતા તરીકે જ દેશની સેવા કરી શકે છે. એક સાથે અનેક કામ કરવા મુશ્કેલ છે. એક સમય પર એક જ કામ થઈ શકે છે. તેઓ જે વિચાર સાથે રાજકારણમાં આવ્યા હતા, તે એક અભિનેતા તરીકે પણ થઈ શકે છે. આથી તેમણે આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
રાજકારણ પર શું બોલ્યા અભિનેતા સની દેઓલ?
સની દેઓલે એમ પણ કહ્યું કે એક્ટિંગમાં રહીને તેઓ તેમનું મન જે ઈચ્છે તે કરી શકે છે. પણ પોલિટિક્સમાં જો તેઓ કઈ પણ વચન આપે અને પછી તે ન કરી શકે તો તે તેમનાથી સહન થતું નથી. આવું તેઓ ન કરી શકે. આથી સની પાજી ફક્ત એક્ટિંગની દુનિયામાં જ આગળ રહેવા માંગે છે.
લોકસભામાં ઓછી હાજરી પર શું કહ્યું?
નોંધનીય છે કે, એક સાંસદ તરીકે લોકસભામાં તેમની હાજરી ફક્ત 19 ટકા રહી છે. જેના પર સની દેઓલે કહ્યું કે લોકસભામાં દેશને ચલાવનારા લોકો બેસે છે. તેમાં તમામ દળોના નેતાઓ છે. પણ ત્યાં જેવું વર્તન કરવામાં આવે છે, તેના માટે આપણે બીજાને કહીએ છીએ કે આવું ન કરો. જ્યારે હું તેમને જોઉ છું ત્યારે એવું લાગે છે કે ક્યાંક જતો રહું. કારણ કે હું આવો નથી. હવે આગળ હું ચૂંટણી લડવા માંગતો નથી.