Bollywood| બોલિવૂડનો પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂર પાછલા 20 વર્ષથી ફિલ્મી જગતમાં સક્રિય છે અને સતત પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતતો આવી રહ્યો છે. આમ તો ભૂતકાળમાં શાહિદનો ફિલ્મી કરિયર ગ્રાફ વધુ સારો નથી રહ્યો, હિટ કરતાં ફ્લોપ ફિલ્મો તેના ખાતામાં વધુ જોવા મળે છે. પોતાની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ બાદથી જ શાહિદે 3 વર્ષ સુધી ફક્ત ફ્લોપ ફિલ્મોથી કામ ચલાવવું પડ્યું હતું.
બોક્સ ઓફિસ ઇન્ડિયાના આંકડા અનુસાર, તે બાદ શાહિદે પોતાના કરિયરની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘વિવાહ’ આપી હતી. જેણે રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. જો કે આ બ્લોકબસ્ટર ફિલ્મ પછી પણ શાહિદને ફક્ત નિરાશા જ હાથે લાગી હતી, કારણ કે ‘વિવાહ’ બાદ પણ તેનું કરિયર ડાઉન થતું ગયું. પરંતુ તેણે હાર ન માની અને સતત ફિલ્મો કરતો ગયો અને આખરે તેની મહેનત રંગ લાવી.
વર્ષ 2019માં સિંગલ લીડ એક્ટર રૂપે તેની એક ફિલ્મ રિલીઝ થઇ, જેનું નામ હતું ‘કબીર સિંહ’. આ ફિલ્મે તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો. શાહિદ જે ફિલ્મની વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો, તે ફિલ્મ કબીર સિંહ હતી. આ ફિલ્મથી શાહિદને તે સ્ટારડમ મળ્યું, જેની તે વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો. આ ફિલ્મે શાહિદના કરિયરના ગ્રાફને હાઇ કર્યો અને આ ફિલ્મ દ્વારા મેકર્સને પણ ઘણો નફો થયો.
વિકીપીડિયા પર દર્શાવાયેલા આંકડા પ્રમાણે, આ ફિલ્મ બનાવવામાં મેકર્સે ફક્ત 60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતાં. પરંતુ તેની ટોટલ વર્લ્ડવાઇડ કમાણીએ મેકર્સને માલામાલ કરી નાંખ્યા હતાં. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કુલ કમાણી 379 કરોડ રૂપિયા હતી. આ ફિલ્મ પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને જોતજોતામાં શાહિદ કપૂર બોક્સ ઓફિસ પર છવાઇ ગયો હતો. વર્ષ 2019ની આ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી સુપર બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી.
‘કબીર સિંહ’ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી, જે સંદીપ રેડ્ડી વાંગાએ લખી અને ડાયરેક્ટ કરી હતી. ટી-સીરીઝ ફિલ્મ્સ અંતર્ગત ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર તથા સિને 1 સ્ટુડિયો અંતર્ગત મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે દ્વારા સંયુક્ત રૂપે નિર્મિત હતી. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગાની પોતાની તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડી(2017)ની રિમેક હતી. જેમાં શાહિદ કપૂર એક ડોક્ટરના રોલમાં હતો અને તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પ્રીતિના રોલમાં કિયારા અડવાણીએ સરાહનીય ભૂમિકા ભજવી હતી.