Gujarat High Court| ગુજરાતમાં હવે જૂની હિન્દી ફિલ્મ ‘દામીની’નો બહુચર્ચિત ડાયલોગ નહીં સાંભળવા મળે. ‘તારીખ પે તારીખ તારીખ પે તારીખ’ આ ડાયલોગ હવે ભૂતકાળ બની જશે. કારણ કે, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાંચથી દસ વર્ષ અને તેનાથી પણ વધુ જુના કેસોમાં 57 દિવસમાં જ ન્યાય મળશે. 13,998 જુના કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ કરાયો છે. 1 સપ્ટેમ્બર થી 27 ઓક્ટોબર સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો આવી જાય તે પ્રકારની સૂચના અપાઈ છે. રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવાનો નવતર પ્રયોગ અમલમાં આવશે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના આ નવા નિર્ણયથી વકીલ વર્તુળ અને લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે.
જુના કેસોને ફટાફટ પતાવાશે
એવુ કહેવાય છે કે, કોર્ટ અને પોલીસના દરવાજે એકવાર ચઢો એટલે વર્ષો સુધી ચઢવા પડે. વર્ષો સુધી કોર્ટ કેસનો નિકાલ આવતો નથી. કેટલાક કિસ્સામાં ન્યાય મળે ત્યાં સુધી લોકોના મોત થઇ ગયા હોય તેમ પણ જોવા મળતું હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ હવે આ સિસ્ટમ બદલવા જઈ રહ્યું છે. 13,988 કેસ શોધવામાં આવ્યા છે, જેનો નિકાલ વર્ષોથી આવ્યો નથી. આ તમામ પેન્ડિંગ કેસોને તારીખ આપવામાં આવશે.
કેવી રીતે થશે તારીખની વહેંચણી
તમામ પેન્ડિંગ કેસોને 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં તારીખ આપવામાં આવી છે. જેમાં 5 વર્ષથી ઓછા સમયના, 5થી 10 વર્ષ જૂના અને 10 વર્ષ કરતાં વધુ જૂના કેસની કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આ માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. જે મુજબ લિસ્ટેડ ન હોય તેવા કેસો જેને 10 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોય તો તેને 2 મહિનાની અંદરની તારીખ ફાળવાશે. 5થી 10 વર્ષના સમયગાળાના કેસોને 2થી 4 મહિનાની અંદરની તારીખ ફાળવાશે. જ્યારે 5 વર્ષ કરતાં ઓછા સમયના કેસોને 4થી 6 મહિનાની તારીખ ફાળવાશે. આ ઉપરાંત કોર્ટે જે કેસોને આગામી લિસ્ટેડ તારીખ ન આપી હોય, આગામી મુદતની તારીખ ન અપાઈ હોય, કોર્ટ માસ્ટર દ્વારા સિસ્ટમમાં તારીખ ન નખાઈ હોય તેવા સંજોગોમાં 10 વર્ષથી વધુ જૂના કેસોને 7 દિવસની અંદરની તારીખ અપાશે. તેમજ 5થી 10 વર્ષ સુધીના જૂના કેસોને 8થી 14 દિવસની અંદર તારીખ અપાશે. પાંચ વર્ષની અંદરના કેસોને 15થી 21 દિવસની અંદરમાં તારીખ અપાશે.
આમ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે લીધેલા આ નિર્ણયથી ન્યાયની સિસ્ટમમાં મોટો બદલાવ આવશે. કારણ કે, વર્ષોથી પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ આવશે. સાથે એકબીજા સાથે સંકળાયેલા કેસોને સરખી તારીખ અપાશે.