ચંદા મામા સુધી પહોંચ્યા બાદ હવે સૂરજ દાદાનો વારો, ISRO બીજી સપ્ટેમ્બરે લોન્ચ કરશે મિશન આદિત્ય L1

by Dhwani Modi
Mission Aditya L1 By ISRO, News Inside

Mission Aditya L1| મિશન મૂન અંતગર્ત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઈસરો) એ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ ઈસરો મિશન સન હેઠળ સૂર્ય સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરના રોજ ઈસરો PSLV રોકેટ દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આદિત્ય-L1 લોન્ચ કરશે.

ISROનું આદિત્ય L1 મિશન ભારતીય અવકાશ એજન્સીનું સૌથી મુશ્કેલ મિશન છે. ઈસરોના વડા એસ. સોમનાથે પણ તાજેતરમાં કહ્યું હતું કે ભારત હવે સૂર્ય તરફ જવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, “છેલ્લા કેટલાક મહિનાઓથી સ્પેસ એજન્સીનું ધ્યાન ચંદ્રયાન-3 પર હતું. તેમજ ISRO અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે જે આગામી મહિનાઓમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.”

મિશન મૂન બાદ હવે લોન્ચ કરવામાં આવશે આ મિશન
ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે, મિશન મૂનની ઐતિહાસિક સફળતા બાદ ભારત આગામી ત્રણ મહિનામાં આદિત્ય L1 અને ગગનયાન સહિત અનેક મહત્વપૂર્ણ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું, “અમારી કતારમાં ઘણા મોટા મિશન છે. ચંદ્રયાન-3 પછી અમે આદિત્ય L1 લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.

શું છે આદિત્ય L1 મિશન?
આદિત્ય L1 વિશે માહિતી આપતાં ISROના વડાએ કહ્યું, “આ ભારતનું પહેલું સૌર મિશન છે જે સૂર્યનો અભ્યાસ કરશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં આ અવકાશયાન લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રોજેક્ટને એસેમ્બલ કરીને શ્રીહરિકોટા લોન્ચ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય L1 અવકાશયાનમાં સાત પ્રકારના વૈજ્ઞાનિક પેલોડ હશે. તેઓ અલગ અલગ રીતે સૂર્યનો અભ્યાસ કરશે. આ વાહન લગભગ 5 વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે.

Related Posts