ગુજરાતના આ જિલ્લાના પશુઓમાં લંપી વાયરસનો કાળો કહેર વર્તાયો, લંપી વાયરસને કારણે 15 જેટલા પશુધન મોતને ભેટ્યા

by Dhwani Modi
lumpy virus in cattle, News Inside

Surat| સુરત જિલ્લામાં ફરી એકવાર લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છે. માંગરોળ તાલુકામાં 15 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. જોકે સરકાર નો પશુ પાલન વિભાગ પણ મોડે મોડે જાગ્યો છે. 15 પશુઓના મોત બાદ સર્વેની કામગીરી કરવા પહોંચ્યા, મુખ્યત્વે લોકો પશુ પાલન પર નિર્ભર રહે છે. ત્યારે ઢીલી કામગીરીને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લંપી વાયરસે કહેર મચાવ્યો હતો. જોકે હવે સુરત જિલ્લામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. સુરત જિલ્લાના માંડવી બાદ હવે માંગરોળ તાલુકામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. ગ્રામજનો છેલ્લા એક મહિનાથી લંપી વાયરસને કાબુમાં લેવા મથામણ કરી રહ્યાં છે. પશુપાલન વિભાગને જાણ કરવા છતાં પોતાની ઓફીસમાંથી મોડે મોડે જાગેલી પશુપાલન અધિકારીની ટિમ સ્થળ પહોંચી હતી. આ સર્વે ટીમ 15 પશુના મોત બાદ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહ્યું છે. વેરાકોઈ ગામના લોકો મુખ્યત્વે પશુ પાલનના ધંધા સાથે સંકળાયેલા લોકો છે. દુધાળા, ગાભણ, બળદ તેમજ વાછરડાઓના પણ મોત નિપજતા પશુ પાલકોની સ્થિતિ કફોડી બની છે.

મહત્વનું છે કે, તાલુકામાં લંપી વાયરસનો કહેર વરર્તાતા સુમુલ ડેરીના વેટનરી વિભાગ દ્વારા પશુઓને વેક્સીનેશન તેમજ દવા વિતરણની કામગીર કરવામાં આવી રહી છે. તેમજ પશુ પાલકોને લંપી વાયરસ કાબુમાં લેવા માટે તેમજ અટકાવવા કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે સમજણ આપી રહ્યા છે. સુમૂલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી દોઢ લાખ જેટલા પશુઓમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. જેમાં નહીવત પશુઓના મોત નિપજ્યા હતા.

સુમુલ ડેરીના વેટનરી વિભાગ વેક્સીનેશનની કામગીરી કરી રહ્યો છે. જોકે પશુ પાલકો કહી રહ્યા છે કે, વેક્સીનેશન માટે વપરાતી નિડલ (સોય) દ્વારા જ અન્ય પશુઓને પણ રસીકરણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે એકજ નિડલથી બીજા પશુનું રસીકરણ કરવામાં આવે તો સ્વસ્થ પશું પણ આ વાયરસનો ચેપ લાગી શકે છે. જેમ માણસોને અલગ અલગ નિડલથી ઇન્જેક્શન મુકવામાં આવે તેજ પ્રકારે પશુઓને પણ ઇન્જેક્શન મુકવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. 15 જેટલા પશુઓના મોત તેમજ અન્ય પશુઓમાં જોવા મળેલા લંપી વાયરસના લક્ષણ બાદ પશુપાલન ટીમ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહી છે.

મહત્વનું છે કે પશુ પાલન વિભાગના અધિકારીએ પોતે સુમુલ ડેરી સાથે સંકલન કરી કામગીરી કરી હોવાનો પોતાનો લુલો બચાવ કરતા પોતાની નિષ્ક્રિયતાને છુપાવવા અને જવાબદારીમાંથી મુક્ત થવા છટકબારી શોધી હતી. તથા પોતે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જોકે બીજી તરફ 15 જેટલા પશુઓના મોત નીપજી ચુક્યા છે.

માંગરોળ તાલુકો વધુ પ્રમાણમાં આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. તેમાંથી મોટા ભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે લંપી વાયરસના કહેરને કારણે પશુઓના મોત થતા હાહાકાર મચી ચુક્યો છે. ત્યારે પશુપાલકો પોતાના આજીવિકા સમાન પશુઓને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે પશુપાલકોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Related Posts