PM મોદી ગ્રીસથી સીધા જ પહોંચશે બેંગાલુરુ, ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી રોડ શોમાં લેશે ભાગ

by Dhwani Modi
PM Modi will greet ISRO scientist, News Inside

Bengaluru, Karnataka| હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે. તેઓ ભારતમાં પરત આવશે ત્યારે સૌથી પહેલા બેંગાલુરૂ ખાતે પહોંચશે અને ત્યાં ચંદ્રયાન-3ની વૈજ્ઞાનિકોની ટીમને મળશે. ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણીના ભાગરૂપે બેંગલુરુમાં એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતના ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર વિક્રમે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. જેના પરિણામે આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે અને સમગ્ર વિશ્વમાંથી પ્રશંસા મેળવી છે.

વડાપ્રધાન મોદી હાલમાં ગ્રીસ દેશના પ્રવાસે છે. તેઓ સ્વદેશ પરત ફરશે ત્યારે બેંગાલુરૂમાં ઈસરોના વૈજ્ઞાનિકોને રૂબરૂ મળીને ચંદ્રયાન-3ની સફળતાના અભિનંદન પાઠવશે. ભાજપના નેતા આર. અશોકે જણાવ્યું છે કે, બેંગાલુરૂમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પદ્મનાભનગરમાં આર.અશોકે પત્રકારોને જણાવ્યું કે, ‘ચંદ્રયાન-3ની સિદ્ધિને લઈને અમે સૌ ખૂબ જ આનંદિત છીએ. 26 ઓગસ્ટની સવારે વડાપ્રધાન બેંગાલુરૂમાં આવવાના છે. અમે વડાપ્રધાનને ખૂબ જ ઉમળકાથી આવકારીશું.’

ભવ્યાતિભવ્ય હશે બેંગાલુરુમાં યોજાનાર વડાપ્રધાન મોદીનો રોડ શો
વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં 5000થી વધુ લોકો ભાગ લેશે. વડાપ્રધાન સંબોધન પણ આપી શકે છે. પીન્યા ખાતેના ઈસરોના મુખ્ય ભવનની નજીક 1 કિલોમીટર દૂરથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે વડાપ્રધાન ગ્રીસથી સીધા જ બેંગાલુરૂ પહોંચશે. તેઓ ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોની શુભેચ્છા મુલાકાત લેશે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીને સ્પર્શ્યુ અને પ્રજ્ઞ્યાન રોવર ચંદ્રની સપાટી પર રોલ્ડ આઉટ થયું.

ચંદ્ર પર જનાર દેશની યાદીમાં ભારત ચોથા ક્રમે
જ્યારે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થયું ત્યારે BRICS સંમેલનમાં ભાગ લેવા સાઉથ આફ્રિકા ગયેલા વડાપ્રધાન મોદી આ ઐતિહાસિક ક્ષણના ઓનલાઈન સાક્ષી બન્યા હતા. આ સિદ્ધિ બાદ વડાપ્રધાને કહ્યું કે હવે ભારત ચંદ્ર પર છે, આ નવા ભારતની શરૂઆત છે. ચંદ્રયાન-3ની સફળતાને પરિણામે અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. GSLV Mark 3(LVM 3)એ અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં 5 ઓગસ્ટે પહોંચાડ્યું હતું. જેણે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યું છે.

 

Related Posts