ટામેટાનો ભાવ માંડ તો કાબૂમાં આવ્યો, ત્યાં દાળના વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

તહેવારો નજીક છે ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતા નાગરિકો ચિંતામાં મુકાયા

by Dhwani Modi
dal price hike, News Inside

Dal price hike| તહેવારોની સીઝન આવી રહી છે અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. હજુ તો માંડ ટામેટાના ઊંચા ભાવથી રાહત મળી ત્યાં તો દાળના ભાવ આસમાને પહોંચ્યા છે તેથી ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળના ભાવમાં અચાનક પ્રતિ કિલોએ 10થી 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. વડોદરાના હાથીખાના માર્કેટના પ્રમુખ નિમેશ મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં ભાવવધારો થયો છે. તુવેર દાળમાં કિલોએ 10થી 12 રૂપિયાનો વધારો થયો છે. અડદ દાળમાં કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો છે અને ચણા દાળમાં કિલોએ 4થી 5 રૂપિયાનો વધારો થયો છે. હાલ થોડા સમય માટે આ ભાવવધારો થયો છે.

દરેક દાળના ભાવમાં 10 થી 25 રૂપિયાનો વધારો
હજી ટામેટાના ભાવમાં માંડ રાહત થઈ છે. ત્યાં તેલના ભાવમાં ભડકો થયો છે. આ ભાવ વધારો ઓછો હતો ત્યાં હવે ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવી ખબર સામે આવી છે. છેલ્લાં 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ દરેક દાળના ભાવમાં 10 થી 25 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ કારણે ગૃહિણીઓને ફરી એકવાર ટેન્શન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કેમ વધ્યા દાળના ભાવ
મોંઘવારીને કાબૂમાં રાખવામાં સરકાર અસમર્થ રહી છે. એક પછી એક જીવન જરૂરિયાતની વસ્તુઓના વધતા ભાવ સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યું છે. મોંઘવારી બેકાબૂ બની રહી છે. દાળના વધતા ભાવ પાછળ વેપારીઓએ વિવિધ કારણો જણાવ્યા છે. તેમણે કહ્યું કે, ગત વર્ષે તુવેરનું પ્રોડ્કશન ઓછું થયુ હતું. તેમજ આફ્રિકા, બર્મામાં પાક ઓછો થતા દાળની આયાત ઘટી છે. આ ઉપરાંત યુદ્ધની પરિસ્થિતિમાં તમામ દેશોએ દાળનો ઓવરસ્ટોક કર્યો હોય તેવુ પણ કહેવાય છે. તો તહેવારોની સીઝનમાં દાળની માંગમાં વધારો થતા તુવેર, અડદ અને ચણાની દાળના ભાવમાં વધારો થયો છે તેવુ ચર્ચાઈ રહ્યું છે.

ગત બે મહિનામાં દાળના ભાવમાં ખાસ કરીને અડદની દાળના ભાવમાં વધારો આવ્યો છે. અડદની દાળ પહેલા 120 રૂપિયે કિલો મળતી હતી, જેનો ભાવ હવે 155 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. તો તે રિટેલમાં 165 રૂપિયા કિલોના ભાવે પણ વેચાઈ રહી છે. તો મગની દાળનો પહેલા ભાવ 110 રૂપિયા કિલો હતો, જે હવે વધીને 120 રૂપિયા કિલોમાં વેચાય છે. આ રીતે જ મસૂરની દાળની કિંમત 90 રૂપિયા કિલો હતી, જે 100 રૂપિયા રિટેલમાં વેચાય છે. આ ઉપરાંત સફેદ ચણા 160 રૂપિયે કિલો હતા, જે હવે 170 રૂપિયે કિલો પર વેચાય છે. રાજમાના 115 રૂપિયા હતા, જે હવે 170 રૂપિયે કિલો થઈ ગયા છે.

ટામેટાના ભાવમાં માંડ હાલ રાહત થઈ છે. જેને કારણે મધ્યમવર્ગીય લોકો ટામેટાને રસોઈથી દૂર કરી રહ્યાં છે. ત્યારે હવે દાળના ભાવ નાગરિકોને રડાવશે.

Related Posts